________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
સંઘે તેમની ઇચ્છા અને નિર્ણય માન્ય રાખ્યો. આ પછી આર્યરક્ષિતસૂરિ અનશન કરીને સ્વર્ગે ગયા. આ બધી હકીક્ત સાંભળી ગોષ્ટામાહિલ મુનિ મથુરાથી દક્ષપુર આવ્યા. પુષ્યમિત્રને પાટ અને આચાર્યપદ આપ્યા તેથી તેમને ખૂબ જ દુઃખ અને આઘાત લાગ્યા. આથી તે આચાર્યશ્રીની નિંદા કરવા લાગ્યા.
એક દિવસની વાત છે. દુર્બલિકાપુષ્પમિત્રઆચાર્યના એક શિષ્ય વિધ્યમુનિ કર્મપ્રવાદ નામના પૂર્વની આવૃત્તિ કરી રહ્યા હતા. તેમાં વિષય આ પ્રમાણે હતો: “જીવના પ્રદેશ સાથે બદ્ધ થયેલું કર્મ જેનો બંધ માત્ર થાય છે. એથી કષાય રહિત કેવળીને ઈર્યાપથિકી જે કર્મ બંધાય છે તે બદ્ધ કહેવાય છે. બદ્ધકર્મ કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ સૂકી ભીંત પર નાંખેલી ભૂકીની જેમ જીવના પ્રદેશથી જુદું પડી જાય છે.
જીવના પ્રદેશોએ પોતાનું કરી લીધેલું કર્મ તે બદ્ધસ્કૃષ્ટકર્મ કહેવાય છે. આવું કર્મ ભીની ભીંત પર નાંખેલા ભીના ભૂકાની જેમ કાળાંતરે નાશ પામે છે.
અતિ ગાઢ ભાવ અને વિચારથી બાંધેલું કર્મ અપવર્તનાદિકરણને અયોગ્ય હોવાથી નિકાચિત કહેવાય છે. આ નિકાચિત કર્મ ગાઢ બંધવાળું હોવાથી ભીની ભીંત પર આકરા કળી ચૂનાનો કે સફેદાનો હાથ માર્યો હોય તેની જેમ કાળાંતરે પણ વિપાકથી ભોગવ્યા વિના પ્રાયઃ કરીને ક્ષય પામતું નથી. આ ત્રણે પ્રકારનાં કર્મને સમજવા માટે સોયનું દૃષ્ટાંત છે.
(૧) દોરાથી બંધાયેલ સોય જેવું કર્મ બદ્ધકર્મ જાણવું. (૨) લોઢાના તારથી બાંધેલ સોય જેવું કર્મ બદ્ધસ્પષ્ટકર્મ જાણવું અને (૩) અગ્નિથી તપાવી હથોડા વતી ટીપીને એકત્ર કરેલા સોયના સમૂહ જેવું નિકાચિત કર્મ જાણવું.
નિકાચિત કર્મ પ્રાયઃ ભોગવવું પડે છે. તે ‘તવસામો નિફિયાળ '-તપથી નિકાચિત કર્મનો ક્ષય થાય છે. એ વચન અનુસાર કહ્યું છે. ઉગ્ર તપ કરવાથી તેમજ ઉત્કૃષ્ટ અધ્યવસાયના બળથી નિકાચિતકર્મમાં પણ અપવર્તનાદિકકરણો પ્રવર્તે છે. આ વ્યાખ્યાનથી એમ સમજવાનું છે કે ક્ષીરનીરની જેમ તેમજ અગ્નિથી તપાવેલા લોઢાના ગોળાની જેમ જીવના પ્રદેશ સાથે કર્મનો સંબંધ છે.”
વિંધ્યમુનિની આ વ્યાખ્યા સાંભળીને ગોષ્ટામાહિલ મુનિએ તેમને કહ્યું : “જીવ અને કર્મનો જે તાદાભ્ય સંબંધ તમે કહ્યો તે દૂષિત છે. કારણ તાદાસ્યભાવ માનવાથી જીવથી જીવના પ્રદેશ ભિન્ન થતા નથી. તેમ કર્મ પણ જીવથી અભિન્ન કહે છે. આથી જીવ સદા કાળ કર્મ સહિત હોવાથી તે મોક્ષ પામી શકે નહિ. મોક્ષનો એથી અભાવ થશે. આથી મારી જ વ્યાખ્યા બરાબર છે કે સર્પની કાંચળીની જેમ જીવની સાથે કર્મનો માત્ર સ્પર્શ જ છે. અગ્નિથી તપાવેલા લોહગોળાના ન્યાયની જેમ તાદાસ્યભાવ પામ્યા વિના જ તે જીવની સાથે જોડાય છે અને તેની સાથે પરભવમાં જાય છે. આમ માનવાથી જ માનવને મોક્ષ મળી શકશે.”