________________
૯૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧. રાગી ઉપદેશ યોગ્ય નથી
यस्मिन् वस्तुनि, रागो यस्य नरस्य सः । तदीयान्ननु दोषांश्च, गुणतयैव पश्यति ॥
“જે માણસને જે વસ્તુમાં રાગ ઉત્પન્ન થયો હોય છે, તે માણસ તે વસ્તુના દોષને પણ ગુણરૂપે જ જુએ છે.” આ અંગેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :
નંદન કોટવાળને બે પત્ની હતી. આદ્યશ્રી અને દ્વિતીયશ્રી. નંદનને દ્વિતીયશ્રી પર અત્યંત રાગ હતો, તેનામાં તે બેહદ આસક્ત હતો.
એક વખત નંદન પરગામથી પોતાના વતન પાછો ફર્યો, ત્યારે દ્વિતીયશ્રી ઘરે ન હતી. પિયર ગઈ હતી. આદ્યશ્રી નંદનને પ્રેમથી એક પછી એક વાનગી પીરસી રહી હતી. પરંતુ નંદનને તેમાં રસ કે સ્વાદ નહોતો પડતો. કંટાળીને બોલ્યો : ‘આદ્યશ્રી ! મારું એક કામ કરને, દ્વિતીયશ્રીના ઘરે જઈને તેણે જે કંઈ શાક રાંધ્યું હોય તે લઈ આવને.’
આદ્યશ્રી પતિભક્ત હતી. તે તુરત પોતાની શોકને ત્યાં ગઈ, દ્વિતીયશ્રીએ તેને કહ્યું : ‘આજે મેં કંઈ રાંધ્યું જ નથી, તો શાક ક્યાંથી આપું ?' આદ્યશ્રીએ આ વાત નંદનને કરી. તેણે ફરીથી આદ્યશ્રીને દ્વિતીયશ્રીને ત્યાં મોકલીને કંઈ વધ્યું-ઘટ્યું જે હોય તે લઈ આવવા કહ્યું. દ્વિતીયશ્રીએ કહ્યું કે ‘વધેલું ઘટેલું તો નોકરોને આપી દીધું.' તો ય નંદને ત્રીજીવાર મોકલીને તેના ઘરેથી કાંજી જેવું ગમે તે હોય તે લઈ આવવા કહ્યું.
આદ્યશ્રીને આથી ગુસ્સો ચડ્યો. ઘર બહાર જઈને તેણે વાછરડાનું તાજું છાણ લીધું. તેમાં લોટ, મસાલો વગેરે નાંખીને તેની વાનગી બનાવી. એ વાનગી તેણે નંદનને પીરસી અને કહ્યું કે ‘આ વાનગી દ્વિતીયશ્રીએ આપી છે.' નંદન તે ખાવા મંડી પડ્યો. કોળિયો ભરતો ગયો અને તેના સ્વાદનાં વખાણ કરતો ગયો : ‘અહા હા ! શું સ્વાદ છે ! વાહ વાહ ! તેના હાથમાં તો જાદુ છે, જાદુ !!!' આ નંદનને આપણે શું કહીશું ? નંદન મૂર્ખ નહોતો. તે સ્ત્રીના પ્રેમમાં આંધળો હતો. આથી તેના નામની છાણમિશ્રિત વાનગી પણ તેને સ્વાદિષ્ટ લાગી. આથી જે માણસ અસત્ય ધર્મમાં રાગી હોય છે, તે ગુણ-દોષનો વિવેક જાળવી શકતો નથી. આવો રાગાંધ માણસ અધર્મને ધર્મ અને અનાચારને સદાચાર માને છે. આવા રાગી અને આસક્ત માણસો ધર્મ પામતા નથી. કહ્યું છે કે ઃ
मिथ्यात्वपंकमलिनो आत्मा विपरीतदर्शनोभवति । श्रद्धते न च धर्मं, मधुरमपि रसं यथा ज्वरितः ॥
“મિથ્યાત્વરૂપી કાદવથી ખરડાયેલો આત્મા વિપરીત શ્રદ્ધાવાળો હોય છે, આથી તાવવાળાને મીઠો રસ રૂચતો નથી તે પ્રમાણે મિથ્યાત્વીને સત્ય ધર્મ પર રૂચિ થતી નથી.”