________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
mm મારી વાત તમને કહું. એક સ્ત્રીએ મને પાળીને સોનાના પાંજરામાં રાખ્યો હતો. આ જોઈને તેની બેનપણીને પૂછ્યું: “હે સખી! દુનિયા આખી પોપટને પિંજરામાં રાખે છે. ત્યારે તે આ કાગડાને કેમ પિંજરામાં પાળ્યો છે?” પેલીએ કહ્યું “બેન મારી ! કાગડો અહીં બેઠાં બેઠાં પણ લાખો માઈલ દૂર પતિના આગમનને જાણે છે અને તેમના આવવાના ખબર કરે છે, જ્યારે પોપટ ભણ્યો છે પણ તે શઠ છે. મારા માટે તો આ કાગડો મારા પતિના વિયોગના તાપરૂપી અગ્નિની જ્વાળાઓમાં ચંદન સમાન છે. આથી તેના આ ગુણથી મેં તેને પાળ્યો છે અને સોનાના પિંજરામાં રાખ્યો છે.”
“તો હે સૂરિવર ! નગુણા માણસને મારી સાથે તમે સરખાવો તે ઉચિત નથી.”
કૂકડો બોલ્યોઃ “હે શ્રદ્ધેય ! મારા ગુણ વિષે એક કવિએ કહ્યું છે તે તમે સાંભળોઃ “હે લોકો ! મનુષ્યભવ પામીને તમે સુકૃત્ય કરવામાં ઉદ્યમી થાવ. પ્રસાર પામતા પ્રમાદના વશથી મોહાંધ થઈને મનુષ્યભવ વૃથા હારો નહિ. આ પ્રમાણે સર્વે લોકને પ્રતિબોધ કરવામાં નિપુણ એવો કૂકડો હંમેશાં પહોરે અને અડધે પહોરે પોતાનું મસ્તક ઊંચું રાખીને બોલે છે.
કું એટલે ખરાબ. ખરાબ કામો કરવાથી હું કૂકડો પંખી થયો. એ દુષ્કૃત્ય મિથ્યા કરવા માટે હું રોજ સવારે કુ...કુ...કુ... કરીને સૌને સુકૃત્ય કરવા માટે જગાડું છું. તો હે વંદનીય ! નગુણો માણસ મારા જેવો કેવી રીતે હોઈ શકે ?”
ઊંટ બોલ્યું: “મારા ગુણ ગાતાં કવિએ કહ્યું છે કે શરીર વાંકે છે. શબ્દ કર્ણ કઠોર છે તો પણ ઊંટની ગતિ તેજ હોવાથી તેનો દોષનો સમૂહ ઢંકાઈ જાય છે. આથી હું ચંદનની જેમ માત્ર એક તેજ ગતિરૂપ ગુણથી રાજાને પણ માન્ય છે. ત્યારે હે સૂરિવર ! નગુણા માણસને મારી ઉપમા આપી તે જરાય ઉચિત નથી.”
પશુઓનો આવો વિરોધ સાંભળીને શ્રી કાલિકાચાર્યે માણસની-નગુણા માણસની સરખામણી તૃણ, વૃક્ષ, ધૂળ અને રાખ સાથે કરી. ત્યારે આ સૌ પણ વારાફરતી બોલી ઊઠ્યાં.
તૂણે કહ્યું: “હે ભગવંત! ગાયના લોહીમાં એકરસ બની જઈને હું દૂધ ઉત્પન્ન કરું છું. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું, સર્વ ઋતુઓમાં હું માણસોનું રક્ષણ કરું છું. તો પછી આપ મને નગુણા માણસ સાથે શા માટે સરખાવો છો ?
અને વિશેષ કહું તો સમુદ્રના કાંઠે ઊગેલા અને નીચે નમેલા તૃણનો જન્મ પણ કલ્યાણકારી છે. કેમ કે પાણીમાં ડૂબવાથી વ્યાકુળ થયેલા માણસોના માટે તે હાથવગો આધાર છે અને યુદ્ધમાં મને મોંમાં રાખવાથી માણસનો કોઈ વધ કરતું નથી.
વધુમાં કહું તો હે પૂજ્યવર ! જે તૃણનું ભક્ષણ કરવાથી ગાય, બકરી, ઘેટી, ભેંસો વગેરે દૂધ આપે છે અને એ દૂધથી દહીં, છાશ, ઘી વગેરે પણ થાય છે. આવા સમગ્ર રસના મોટા કારણરૂપ તૃણ-ઘાસને, જાણે પોતે તેના આવા ગુણોથી અજાણ્યો હોય તેમ કવિઓ તેને નિરસ કહે છે ત્યારે કહેવું પડે છે કે એવા કવિઓને ધિક્કાર હો !”