________________
૮૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ઓસરી ગયો. તેણે તુરત જ ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુપણામાં શીતલમુનિએ ખૂબ જ ઉત્કટતાથી તપ અને જ્ઞાનની સાધના કરી અનુક્રમે તે શીતલાચાર્ય બન્યા.
શીતલાચાર્યની એક સંસારી બહેન હતી. ગુણવતી તેનું નામ. પ્રિયંકર રાજાની તે માનીતી રાણી હતી. ગુણવતી તેના ચારેય પુત્રોને અવારનવાર કહેતી કે તમે બધા મામા જેવા તપસ્વી અને જ્ઞાની બનજો. પુત્રોએ ઉંમરલાયક થતાં કોઈ સ્થવિર પાસે દીક્ષા લીધી, બહુત થયા. એક દિવસ ગુરુની આજ્ઞા લઈને તે ચારેય મામા મહારાજને વંદન કરવા ગયા.
વિહાર કરતાં-કરતાં રાત થવા આવી. આથી નગરની બહાર ક્યાંક રોકાયા અને શીતલાચાર્યને સંદેશો મોકલાવ્યો: “તમારી સંસારી બેનના પુત્રો દીક્ષિત થઈને આપને વંદન કરવા આવ્યા છે. પરંતુ રાત થવાથી તેમણે ગામમાં પ્રવેશ કર્યો નથી.'
આ સમાચાર સાંભળીને શીતલાચાર્યના હૈયે પ્રમોદ થયો. એ રાતે ચારે ભાણેજને શુભધ્યાન ધરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સવાર થઈ, સમય થઈ ગયો છતાંય ભાણેજ સાધુઓ આવ્યા નહિ. આથી શીતલાચાર્ય પોતે જ તેમને ત્યાં ગયા. ભાણેજ સાધુઓએ મામા મહારાજને આવેલા જોયા, પરંતુ તેમનું સ્વાગત ન કર્યું. શીતલાચાર્યે ઇરિયાવહી કરી પછી પૂછ્યું: “પ્રથમ કોને વંદન કરું?”
એકે કહ્યું: “જેવી તમારી ઇચ્છા', આ જવાબથી શીતલાચાર્યને ખોટું લાગ્યું. મનમાં ગુસ્સો પણ આવ્યો કે કેવા અવિનયી અને ઉદ્ધત છે આ બધા ! એક તો મારો વિનય ન સાચવ્યો અને ઉપરથી કહે છે કે જેવી તમારી ઇચ્છા. આમ છતાંય તેમણે ચારેયને વંદન કર્યું. વંદન વિધિ બાદ એક કેવળી ભગવંતે શીતલાચાર્યને કહ્યું: “તમે દ્રવ્યવંદન કર્યું છે. કષાયદંડકની વૃદ્ધિથી વંદન કર્યું છે, માટે હવે તમે ભાવથી વંદન કરો.”
શીતલાચાર્યે તરત જ પૂછ્યું: “મેં દ્રવ્યવંદન કર્યું અને ભાવવંદન નથી કર્યું તે તમે શી રીતે જાણું? અને મને કષાયદંડની વૃદ્ધિ થઈ છે તે તમને કેવી રીતે ખબર પડી? શું તમને કંઈ અતિશય જ્ઞાન થયું છે?”
કેવળીએ હા કહી. શીતલાચાર્યે પુનઃ પૂછ્યું: “છાધ્યસ્થિક જ્ઞાન કે કેવળજ્ઞાન?” કેવળીએ કહ્યું: “સાદિ અનંત ભાગે કેવળજ્ઞાન.”
આ જાણીને આચાર્યનું અંતર પસ્તાવાથી રડી ઊહ્યું : “અરેરે ! મેં કેવળી ભગવંતની આશાતના કરી ! મેં ઘણું જ ખોટું કર્યું ! અને સંવેગ પામી ભાવવંદના કરતાં કરતાં કષાયદંડકથી તે પાછા ફર્યા. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ઉત્તરોત્તર વિકાસ કરી શપક શ્રેણીએ પહોંચતાં તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શીતલાચાર્યનું દષ્ટાંત વાંચીને અને સમજીને અંતરના શુદ્ધ અને શુભ ભાવથી ગુરુવંદન કરવું જોઈએ. દ્રવ્યવંદન નહિ પરંતુ અંતરના પરિપૂર્ણ ભાવપૂર્વક કરેલું વંદન જ ફળ આપે છે. આથી ભાવપૂર્વક જ ગુરુવંદન કરવું.