________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કે આમાં જરૂર કંઈક ભેદ હોવો જોઈએ. નહિ તો મરણનો ભય હોવા છતાંય આ પક્ષી આમ શા માટે કરે? આથી રાજા, જ્યાંથી પાણી ટપકતું હતું તે જોવા ઝાડ પર ચડ્યો. જોયું તો ત્યાં એક મોટો અજગર મરેલો હતો. તેનું મોં ખુલ્યું હતું અને તેમાંથી ઝેર ટપકતું હતું. આથી રાજાને પોતાના કાર્યનો ખૂબ પસ્તાવો થયો. તેના પ્રાયશ્ચિત્ત રૂપે રાજા પક્ષીના મૃતદેહને પોતાના નગરમાં લઈ આવ્યો અને ત્યાં તેનો ભવ્ય અગ્નિસંસ્કાર કર્યો.
આ એક રૂપક કથા છે. ચાર ગતિમાં ભ્રમણ કરનાર જીવ તે રાજા છે. મોક્ષ આપનાર જિનવાણી પક્ષી છે. પક્ષી સમાન સમસ્ત જીવોને ઉપકાર કરનાર જિનવાણી પામીને, જે જીવો તેને મિથ્યાત્વરૂપી કોરડાથી હણે છે, તેને મહામૂર્ખ જાણવો. કહ્યું છે કે –
“હે આત્મન્ ! પથ્થરના તળિયા સરખા તારા કઠોર હૃદય પર સિદ્ધાંતરૂપી રસ વહે છે. છતાં પણ તે રસ તારા હૃદયમાં ઊતરતો નથી. કારણ તારા હૈયે જીવદયારૂપી આર્દ્રતા નથી. આના લીધે શુભભાવનારૂપી અંકુરની શ્રેણી તેમાં ઊગતી જ નથી.”
જેના હૈયે કરુણા હોય, દયા હોય તેના હૈયે જ શુભ ભાવના જાગે છે. આવી ભાવના આસનસિદ્ધ જીવોને જ હોય છે. આ ઉપરાંત સિદ્ધાંતનું અધ્યયન કરીને પણ જેઓ પ્રમાદને છોડતા નથી તેમનો અભ્યાસ વ્યર્થ છે. કહ્યું છે કે –
“લોકમાં પૂજાવાના માટે જિનાગમ જાણનાર અને દુર્ગતિમાં પડનાર એવા પ્રમાદી પુરુષને જિનાગમ વ્યર્થ છે. કેમ કે દીવાની જ્યોતમાં મોહ પામેલા અને દીવામાં પડનારા પતંગિયાને એનાં ચક્ષુ શા કામનાં ?”
સિદ્ધાંતરૂપી ચક્ષુ વિરતિવંત પુરુષને પરમ ઉપકાર કરનાર થાય છે. માટે તેવી ઇચ્છાથી શાસ્ત્રો ભણવાં જોઈએ. કહ્યું છે કે-“લોકોને રંજન કરવા માટે શાસ્ત્રો ભણીને પંડિતના નામ માત્રથી તું શું હરખાય છે? પણ તું એવું કંઈક ભણ અને કર કે જેથી સંસારરૂપી સમુદ્ર તરી જવાય.”
ચાર ગતિરૂપ સંસારના દુઃખનું વર્ણન આ પ્રમાણે બતાવાયું છે : “જે નરકના એક પરમાણુની દુર્ગધથી પણ સમસ્ત નગરના માણસોનાં મોત થાય છે, જે નરકમાં સાગરોપમ પ્રમાણ નિરૂપક્રમી આયુષ્ય છે. જે નરક ભૂમિનો સ્પર્શ કરવત કરતાં પણ અત્યંત તીક્ષ્ણ અને કઠોર છે. જેમાં ટાઢ, તાપ વગેરે દુઃખોનો પાર નથી. જે નરકમાં પરમાધામી દેવતાઓએ કરેલી વિવિધ પ્રકારની વેદનાઓ છે અને જેમાં નારકી જીવોના આક્રંદથી આકાશ રડી ઊઠે છે એવા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર નરકથી હે મૂર્ખ ! તું ભય કેમ પામતો નથી કે જે તે ક્ષણમાત્ર સુખને આપનાર વિષયકષાયથી હરખાય છે?”
“બંધન પામવું, રોજ સતત ભાર વહન કરવો, માર સહન કરવો, ક્ષુધા, તૃષા અને સહન ન થઈ શકે તેવાં તાપ, ટાઢ અને પવન વગેરે સહન કરવા તેમજ સ્વજાતિ થકી તથા પરજાતિ થકી ભય અને અકાળ મૃત્યુ વગેરે તિર્યંચ ગતિનાં દારૂણ દુઃખો છે.”