________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ આથી આ ફળ હું ન ખાઉં તે જ ઉત્તમ છે.” આમ વિચારીને તેણે આમ્રફળને સાચવી રાખ્યું. વહાણ કિનારે પહોંચ્યું. ત્યાંના નગરના રાજા પાસે જઈને તેણે આપ્રફળ ભેટ ધર્યું. સાથે તેનો મહિમા પણ કહ્યો. રાજાએ તે સ્વીકારીને શેઠનું બધું દાણ માફ કર્યું.
રાજાએ વિચાર્યું. આ પ્રભાવક ફળ હું એકલો ખાઈ જઉં તે મારા માટે શોભાસ્પદ નથી. આ ફળને કોઈ સારી ભૂમિમાં વાવું તો તેનાં અનેક ફળ ઊગશે અને તેથી અનેકને લાભ આપી શકાશે.” આમ વિચારીને રાજાએ તે ફળને રાજ્યના ઉદ્યાનમાં લાવવા માટે આપ્યું. સમય જતાં વૃક્ષ ઊગી નીકળ્યું. તેના પર ફળ (કેરી) આવ્યાં. નોકરીએ રાજાને ખબર આપી એટલું જ નહિ ભૂમિ પર પડેલ પાકા આમ્રફળને રાજાના હાથમાં મૂક્યું.
રાજાએ આ પ્રથમ દિવ્ય ફળ કોઈ યોગ્ય પાત્રને આપવાનું વિચારીને એ ફળ ચાર વેદના જાણનાર એક વૃદ્ધ પંડિતને ભેટ આપ્યું. પણ એ ફળ ખાતાં પંડિતનું મૃત્યુ થયું. આ જાણીને રાજાને સખ્ત આઘાત લાગ્યો. તેને શંકા થઈ કે નક્કી કોઈ દુશ્મને મારી હત્યા કરવા જ આ ફળ મને ભેટ મોકલાવ્યું છે. આથી રાજાએ આમ્રવૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખવાનો હુકમ કર્યો.
આ સમાચાર નગરમાં ફેલાતાં જ રક્તપિતિઓ અને કોઢિયાઓ દોડતા દોડતા આવીને એ આમ્રવૃક્ષનાં ફળ તોડીને ખાવા મંડી પડ્યા. એ ખાતાં જ તેમના રોગ દૂર થઈ ગયા અને બધા જવાન અને સ્વરૂપવાન થઈ ગયા.
રાજાને આ સમાચાર મળ્યા. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઉદ્યાનપાલકોને બોલાવીને રાજાએ પૂછ્યું: “તમે પ્રથમ ફળ ડાળી પરથી તોડીને આપ્યું હતું કે ભૂમિ ઉપર તૂટી પડેલું ફળ લઈને આવ્યા હતા?” ઉદ્યાનપાલકોએ કહ્યું: “હે સ્વામી ! અમે તો એ ફળ ભૂમિ પર પડ્યું હતું તે લઈને આવ્યા હતા. આ જાણીને રાજાના ખેદનો પાર ન રહ્યો. તેને થયું કે ભૂમિ પર ફળ પડ્યું તેથી તેનો પ્રભાવ નષ્ટ થઈ ગયો લાગે છે, સંભવ છે કે ભૂમિ પર પડેલા ફળને સર્પદંશ પણ લાગ્યો હોય. ખરેખર ! મેં પણ ઉતાવળથી વગર વિચારે વૃક્ષ કાપી નાંખવાનો હુકમ કર્યો. પરંતુ રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું?”
આ રૂપક કથા છે. આમ્રવૃક્ષ એ દુર્લભ મનુષ્યભવ છે. અજ્ઞાન અને પ્રમાદમાં જે વગર વિચારે જીવે છે તે આ મહામૂલ્યવાન મનુષ્યભવ વૃથા ગુમાવી દે છે. માટે સુજ્ઞ અને વિવેકીજનોએ પ્રમાદ કરવો નહિ. વિચારીને દરેક કામ કરવું. કારણ ગયેલો સમય ફરી પાછો આવતો નથી. મૃત્યુ ક્યારે આવશે તે નિશ્ચિત નથી. માટે પળનો ય પ્રમાદ કર્યા વિના પળેપળ જાગ્રત ને સાવધ રહીને આત્મધ્યાનમાં મગ્ન રહેવું.