________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
આ બાજુ રત્નદત્તને મૂચ્છ પામેલો જોઈને રત્નસેને મંત્રવાદીઓને બોલાવ્યા. પણ કોઈ રાજપુત્રનું ઝેર ઉતારી શક્યા નહિ. આથી રાજાએ નગરમાં ઘોષણા કરાવી. એ સાંભળીને એક વૃદ્ધ નૈમિત્તિકે કહ્યું : “હે રાજન્ ! આપ રાજપુત્રની જરા પણ ચિંતા ન કરશો. આ વિષની મૂચ્છ છ મહિના સુધી રહે છે. નિમિત્ત શાસ્ત્ર કહે છે કે – “રાજપુત્રનું ઝેર સમુદ્રમાં ઊતરી જશે. માટે તમે તેમને પેટીમાં પૂરીને સમુદ્રમાં મૂકી દો. શ્રદ્ધા રાખો. રાજપુત્ર સમુદ્રમાંથી સાજા-સરવા થઈને પાછા ફરશે.” રત્નસેને એ સૂચનાનું પાલન કર્યું.
આ પેટી તરતી-તરતી તિમંગળી રાક્ષસી તરફ આવી. એ સમયે એ રાક્ષસી પોતાની પેટી મૂકીને ક્યાંક આઘીપાછી થઈ હતી. આ તક જોઈને પેટીમાં પુરાયેલી ચન્દ્રાવતીએ પેટીનું ઢાંકણ ખોલ્યું. ત્યાં તેણે સામે બીજી પેટી તરતી જોઈ. કુતૂહલવશ તેણે એ બીજી પેટી ઉઘાડી. જોયું તો તેમાં પોતાનો જ પ્રિયતમ મૂચ્છમાં પડ્યો હતો. તેણે તુરત જ વિષહરણ મુદ્રાથી રત્નદત્ત પર જળ છંટકાવ કર્યો. મંત્રના પ્રભાવથી રત્નદત્ત ઊંઘમાંથી જાગતો હોય તેમ જાગવા માંડ્યો. સંપૂર્ણ ભાન આવતાં તેને ઓળખ પડી કે અરે ! આ તો એ જ કન્યા છે કે જેણે પરણવા માટે હું જઈ રહ્યો હતો !!!” -- આમ અચાનક પ્રિયનું મિલન થઈ જતાં બન્નેનાં હૈયાં પ્રેમથી ઊભરાઈ આવ્યાં. પરંતુ અત્યારે પ્રેમ કરવાનો સમય ન હતો. રાક્ષસી કોઈપણ પળે પાછી ફરે તેમ હતી. આથી બન્નેએ ગાંધર્વ લગ્ન કર્યા અને બન્ને એક સાથે જ રાવણની પેટીમાં સંતાઈ ગયાં. રાક્ષસી આવી અને તેણે ફરીથી દાંતથી પેટી ઊંચકી લીધી.
આઠમા દિવસે રાવણે રાક્ષસીને પેટી સહિત રાજદરબારમાં બોલાવી. નૈમિત્તિકને પણ બોલાવ્યો અને કહ્યું: “સાત દિવસ થઈ ગયા. કહો! ચન્દ્રાવતીનાં લગ્ન રત્નદત્ત સાથે થઈ ગયાં?'
નૈમિત્તિકે નીડરતાથી કહ્યું: લંકાધિપતિ ! મેં ત્યારે જે કહ્યું હતું, તે આજે પણ કહું છું. ભવિતવ્યતા ક્યારેય મિથ્યા થતી નથી.”
“રાવણે અટ્ટહાસ્ય કરતાં કહ્યું : “નૈમિત્તિક ! શું હજી પણ તમને રાવણની શક્તિપુરુષાર્થમાં શંકા છે. કહો ! તમારા દેખતાં જ શું ચન્દ્રાવતીને પેટીમાં નહોતી પૂરી? તોય તમે તમારી ભવિષ્યતાની વાત પકડી રહ્યા છો? ખેર ! કશો વાંધો નહિ તમે જ તમારા હાથે પેટી ઉઘાડો અને ખાત્રી કરો કે ચન્દ્રાવતી હજી કુંવારી છે કે પરણેલી.”
નૈમિત્તિકે પેટી ઉઘાડી, આશ્ચર્ય ! રાવણ, રાક્ષસી અને સૌ દરબારી જનોની આંખો પહોળી થઈ ગઈ !!! પેટીમાંથી ચન્દ્રાવતી અને રત્નદત્ત બને છેડાછેડી બાંધેલી હાલતમાં બહાર નીકળી આવ્યાં. આ જોઈને રાવણને પ્રતીતિ થઈ કે મારું મૃત્યુ પણ નિશ્ચિત છે. લાખ ઉપાય કરું તો પણ હું મૃત્યુથી બચી શકવાનો નથી. ઉ.ભા.-૪-૬