________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૭૩
એક દિવસ ભાવિનીએ કળાચાર્યને પૂછ્યું : ‘ગુરુદેવ ! મારો ભર્તાર કોણ થશે ?’ કળાચાર્યે પ્રશ્ન કુંડળી મૂકીને જોયું અને ગંભીરતાથી કહ્યું : ‘વત્સ ! તને જાણીને જરૂર આઘાત થશે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આપણે ત્યાં અભ્યાસ કરે છે તે કર્મરેખ તારો ભત્તુર બનશે.” આ સાંભળીને ભાવિનીના હૈયે ભારે આઘાત લાગ્યો. આઘાતની કળ વળતાં તેણે મનોમન નક્કી કર્યું હું બટુક કર્મરેખ સાથે તો હરગિજ નહિ પરણું.
થોડા દિવસ પછી તેણે લટુકા ટુકા કરીને પોતાના પિતાને કર્મરેખની હત્યા કરવા સમજાવી લીધા. મમતાવશ બનીને પિતા રિપુમર્દને કર્મરેખનું અપહરણ કરાવીને તેનો વધ કરવા ચાંડાલોને સોંપી દીધો. ચાંડાલો કર્મરેખની હત્યા કરવા ગુપ્ત સ્થાને ગયા. ત્યાં તેમને આ નાનકડા બાળક માટે ધ્યાનાભાવ જાગ્યા. તેમને થયું કે શા માટે અમારે આવી નિરર્થક બાળ હત્યા કરવાનું મહાપાપ કરવું ? આથી ચાંડાલોએ કર્મરેખને જંગલમાં દૂર-સુદૂર લઈ જઈને જીવતો છોડી મૂક્યો અને રાજાનો ઇરાદો જણાવીને કહ્યું કે હવે પછી તું ગામમાં કદી પાછો ફરતો નહિ.
પોતાનો જીવ બચાવવા માટે કર્મરેખે ચાંડાલોનો આભાર માન્યો અને ત્યાંથી તે મુઠ્ઠી વાળીને ભાગ્યો. ભાગતો-ભાગતો તે શ્રીપુર ગામની ભાગોળે પહોંચ્યો. ત્યાં એક ઝાડ હતું તેની નીચે એ સૂઈ ગયો. ભૂખ અને થાકના કારણે થોડી જ વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો.
અહીં આ શ્રીપુરમાં શ્રીદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો. રાતે સ્વપ્નમાં તેની કુળદેવીએ કહ્યું : “હે શ્રીદત્ત ! ગામની બહાર ઉત્તર દિશામાં રસ્તામાં કાલે સવારે તારી કાળી ગાય જે સૂતેલા બાળક પાસે ઊભી રહે, તે બાળક સાથે તારી પુત્રી શ્રીમતીનાં લગ્ન કરાવજે.” સ્વપ્ન બાદ તુરત જ શ્રીદત્ત જાગી ગયો અને બાકીની રાત કુળદેવીના સ્મરણમાં પસાર કરી. સવારે તે પોતાની કાળી ગાયની પાછળ ગયો. કાળીગાય ચાલતી-ચાલતી કર્મરેખ સૂતો હતો ત્યાં આવીને ઊભી રહી ગઈ. શ્રીદત્તે તેને ત્યાંથી ખસેડવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાંથી તે જરાય ન હાલી. આથી શ્રીદત્તે કુળદેવીના કથનને સત્ય માનીને કર્મરેખને પ્રેમથી જગાડીને સ્વાગતપૂર્વક પોતાના ઘરે લઈ આવ્યો. કર્મરેખે અહીં પોતાની ઓળખ રત્નચંદ્રના નામે આપી. પછી શુભમુહૂર્તે શ્રીદત્તે ધામધૂમથી પોતાની પુત્રી શ્રીમતીને કર્મરેખ સાથે પરણાવી.
રત્નચંદ્ર થોડો સમય શ્રીપુરમાં રહ્યો. પોતાના સરળ સ્વભાવથી તેણે બધાંનો પ્રેમ જીતી લીધો. સ્વભાવે તે સ્વમાની હતો. આથી વેપાર કરવા માટે તે દેશાવર જવા ઊપડ્યો. દેશદેશાવરમાં ફરીને અને વેપાર કરીને તે ખૂબ કમાયો. શ્રીપુર છોડ્યાને ઘણો સમય થઈ ગયો હતો. આથી તે હવે શ્રીપુર પાછો આવવા નીકળ્યો.
રત્નચંદ્રનું વહાણ મરિયે સડસડાટ જઈ રહ્યું હતું. ત્યાં જ અચાનક વંટોળ ફૂંકાયો. વાવંટોળમાં તેનું વહાણ તૂટી પડ્યું. રત્નચંદ્ર સમુદ્રમાં ઊછળી પડ્યો. તે જ સમયે એક મગરમચ્છ તેને ગળી ગયો. આ મગરમચ્છ સમુદ્ર કાંઠે સૂતો હતો. ત્યાં માછીમારોએ તેને જાળ નાંખીને પકડી