________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૩૨
કાલાદિક પાંચ કારણો कालादिपंचहेतूनां, समवायो यदा भवेत् ।
तदा कार्यस्य निष्पत्तिः, स्यात् क्षुल्लककुमारवत् ॥ “કાલાદિક પાંચ કારણો ભેગાં થાય છે ત્યારે જ ક્ષુલ્લકકુમારની જેમ કાર્યની ઉત્પત્તિ
થાય છે.”
ક્ષુલ્લકકુમારનું દષ્ટાંત પુંડરિક સાકેત નગરનો રાજા હતો. સ્વભાવે પૂરો વિલાસી. તેની કામાતુર નજર તેના જ સગા નાના ભાઈની પત્ની યશોભદ્રા પર ફરી. પુંડરિક તક મળે યશોભદ્રાને પોતાની પત્ની બનવા વિનંતી કરતો. પત્ની ન બને તો પોતાની સાથે શય્યાગમન કરવા વીનવતો. યશોભદ્રા તેની એક પણ વાત કે વિનંતી માનતી નહિ. આથી પુંડરિકે નાના ભાઈની હત્યા કરાવી. યશોભદ્રાએ આ કારમો આઘાત જીરવી લીધો. પણ તેને પ્રતીતિ થઈ કે હવે અહીં રહેવું સલામત નથી. વિષયાંધ જેઠ ક્યારે શું કરે તેનો કોઈ જ ભરોસો નહિ. આથી લાગ જોઈને એક રાતે તે ત્યાંથી ભાગી નીકળી.
તે સમયે યશોભદ્રા ગર્ભવતી હતી, એકલી હતી અને વિધવા હતી. એક બાજુ પોતાના શિયળનું રક્ષણ કરવાનું હતું અને બીજી બાજુ પેટમાં ઊછરતા ગર્ભનું પણ રક્ષણ અને સંવર્ધન કરવાનું હતું. ખૂબ જ વિચાર કર્યા બાદ તેણે દીક્ષા લઈ લીધી. પરંતુ દીક્ષા લેવાથી પેટમાં રહેલો ગર્ભ કંઈ થોડો છાનો રહે? સમય આવતાં અન્ય સાધ્વીઓને તેની જાણ થઈ. આથી યશોભદ્રાએ બધી માંડીને પોતાની આપવીતી કહી. શિયળની રક્ષા કરવાના એક માત્ર શુભ હેતુથી યશોભદ્રાએ આમ કર્યું હતું. આથી સૌએ તેને કરુણાની નજરથી જોઈ. વિશ્વાસુ શ્રાવિકાઓ પાસે તેની પ્રસૂતિ કરાવી અને બાળકને સંભાળી લીધો. બાળકનું નામ પાડ્યું ક્ષુલ્લકકુમાર.
ક્ષુલ્લક આઠ વરસનો થયો એટલે તેને સાધ્વી યશોભદ્રાએ દીક્ષા અપાવી. ગુરુઓ પાસે બાળ મુનિ ક્ષુલ્લક મોટો થતો ગયો. વિદ્યાભ્યાસ પણ કર્યો. પરંતુ યુવાવસ્થાએ પહોંચતાં તેના ચિત્ત પરથી વૈરાગ્યનો રંગ ઊખડતો ગયો. વાસનાની આગ તેના બદનને દઝાડી રહી. તે સતત કામવાસનાથી બળવા લાગ્યો. આથી એક દિવસ તેણે માતા સાધ્વીને પોતાના મનની વાત કરી. માતાએ પ્રેમથી કહ્યું -
“વત્સ! આ તારા મનની નબળાઈ છે. તું મનને દઢ કર. તપ અને ધ્યાનમાં મનને સતત હરપળ રોકી રાખ. આમ છતાં સંયમ પાળવાની તારી ઇચ્છા ન થતી હોય તો મારું કહ્યું માનીને તું બાર વરસ સંયમમાં રહે અને શ્રી વીતરાગ ભગવંતની વાણીનું શ્રવણ કર.”