________________
૬૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
શિષ્ય : “હે પૂજ્ય ! સમ્યકત્વાદિ ગુણશ્રેણી ઉત્પન્ન થઈ હોવા છતાંય શ્રેણિક રાજાની મુક્તિ કેમ ન થઈ?”
ગુરુઃ “કારણ તેમનાં પૂર્વ કર્મનો ક્ષય થયો નહોતો. તેમ પંડિતવીર્યનો (પુરુષાર્થ) ઉલ્લાસ થયો ન હોતો, તેથી શ્રેણિક રાજા સમ્યકત્વ પામ્યા છતાંય મુક્તિ પામ્યા નહિ.”
શિષ્યઃ “હે ગુરુદેવ! શાલિભદ્ર મોક્ષના માટે ઘણો ઉલ્લસિત પુરુષાર્થ કર્યો છતાંય તે કેમ મોક્ષે ગયા નહિ?”
ગુરુ : “હે વત્સ ! પૂર્વના શુભ કર્મ અવશેષ રહ્યા હતા. તેથી તે કેવી રીતે મોક્ષે જાય?”
શિષ્યઃ “હે ભગવંત! મરુદેવા માતાને ચાર કારણો મળ્યાં હતાં. પણ તેમણે મોક્ષના માટે કોઈ પુરુષાર્થ કર્યો ન હતો છતાંય તે કેમ મોક્ષે ગયાં?”
ગુરુ : “મરુદેવા માતાએ શુકલધ્યાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને અનંતવીર્ય (પુરુષાર્થ)નો ઉલ્લાસ કર્યો હતો તેથી તે સિદ્ધિપદને પામ્યાં હતાં.”
આમ કાળ સ્વભાવ વગેરે પાંચ હેતુ મળીને જ કાર્યની સિદ્ધિ થાય છે. જેઓ આ પાંચના સમુદાયને માનતા નથી, તેઓને જૈન ધર્મને લોપનારા જાણવા.
૨૩૦ ભવિતવ્યતા અંગે રાવણની કથા भवितव्यविपर्यासं, मत्तोऽसौ दशकंधरः ।
कर्तुं समर्थो नैवाभूत्, स श्री पूज्यैः प्रबोधितः ॥ “મદોન્મત્ત એવો રાવણ પણ ભવિતવ્યતાને મિથ્યા ન કરી શક્યો, તેને પૂજ્ય મુનિરાજશ્રીએ પ્રતિબોધ પમાડ્યો.”
રાવણનો રાજ દરબાર ભરાયો હતો. વાતવાતમાં એક નૈમિત્તિકે રાવણને કહ્યું: “દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે છે તે અવશ્ય કરે છે.” રાવણ બોલ્યો : “બધા પ્રાણીઓમાં હું અપવાદ છું. યમ મારો સેવક છે. આથી મારું મૃત્યુ થવાનું નથી.” ત્યારે નૈમિત્તિકે કહ્યું: “હે લંકેશપતિ ! આવું અભિમાન કરવું યોગ્ય નથી. આપનું મરણ પણ નિશ્ચિત છે. મૃત્યુમાં કોઈ જીવ અપવાદ નથી હોતો. મારું જ્ઞાન કહે છે કે આપનું મરણ અયોધ્યા પતિ દશરથ રાજાના પુત્ર શ્રી રામના હાથે થશે.”