________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ માનવાથી સમ્યકત્વ હોય છે અને તેમાંના કોઈપણ એકથી કાર્યસિદ્ધિ એકાંતે માનવાથી મિથ્યાત્વ છે.”
કાળવાદી કહે છે : “કાળ સર્વ પ્રાણીને સર્જે છે, કાળ પ્રજાનો સંહાર કરે છે અને કાળા સર્વ સૂતા હોય ત્યારે પણ જાગ્રત હોય છે. માટે કાળનું ઉલ્લંઘન કરવું અતિ મુશ્કેલ છે.”
પ્રથમ તો કાળે કરીને ગર્ભ ઉત્પન્ન થાય છે, કાળે કરીને તે વૃદ્ધિ પામે છે અને કાળે કરીને જન્મે છે, કાળે કરીને તીર્થંકર થાય છે. કાળ લબ્ધિ પામીને જીવો સિદ્ધ થાય છે. યોગ્ય કાળે જ આત્માને અનંત આનંદરૂપ ક્ષાયિક રત્નત્રય વગેરેની પ્રાપ્તિ થાય છે અને કાળ જ ભાવધર્મને ઉત્પન્ન કરે છે. એમ ન હોય તો આ વર્તમાનકાળમાં મનુષ્યભવ તેમજ જૈનશાસન વગેરે સામગ્રી પામ્યા છતાંય કેમ કોઈ સિદ્ધ થતા નથી? માટે કાળ જ આ બધું આપે છે અને નાશ કરે છે. કાળે કરીને જ દાંતનું ઊગવું, પગે ચાલવું, બોલવું વગેરે યાવતું મૃત્યુ સુધીના સમગ્ર ભાવો થાય છે. એ જ પ્રમાણે કાળે કરીને શિયાળો, ઉનાળો, ચોમાસુ થાય છે. આમ કાળ જ સર્વનું કારણ છે.
સ્વભાવવાદી કહે છે: “કાળ એકલો બિચારો શું કરી શકે? સ્વભાવથી જ સ્ત્રી-પુરુષના સંયોગથી ગર્ભની ઉત્પત્તિ, વૃદ્ધિ, જન્મ વગેરે ભાવો થાય છે. મોરના પીંછાનું ચિત્રણ અને કાંટામાં તીક્ષ્ણતા કોણ કરે છે? કાળે કરીને જ જો સમગ્ર સૃષ્ટિ હોય તો માનવબાળ અમુક માસ થયા પછી જ ચાલતાં-બોલતાં શીખે છે, જ્યારે અન્ય પશુ-પક્ષીનાં બાળ જન્મતાં વેંત જ ચાલવા લાગે છે. તેનું શું કારણ? માટે સર્વનું કારણ સ્વભાવ છે.”
નિયતિવાદી કહે છે: “કાળ અને સ્વભાવ શું કરે? નિયતિ અર્થાત્ ભવિતવ્યતા જ સર્વનું કારણ છે. કારણ કાળ અને સ્વભાવ હોવા છતાંય જેના ભાગ્યમાં પુત્રાદિક થવાના હોય તેને જ થાય છે. કોડીઓને ઊંચે ઉછાળીએ તો તેમાંથી કેટલીક કોડીઓ ઊંધી પડે છે અને કેટલીક ચત્તી પડે છે. આમાં કાળ અને સ્વભાવનું પ્રમાણ કેટલું? પણ કોડીઓ જેવી રીતે પડવાની હોય છે તેવી જ રીતે તે પડે છે, આથી નિયતિ-ભવિતવ્યતા જ પ્રમાણ છે.
કર્મવાદી કહે છે: “કાળ સ્વભાવ અને નિયતિમાં શું તાકાત છે? તમામ તાકાત તો કર્મમાં જ છે. પૂર્વે કરેલાં કર્મ જ સુખ-દુઃખના કારણભૂત છે. કર્મના કારણે જ ક્ષત્રિય હોય તે ચંડાળ થાય છે. સ્વામી હોય તે સેવક થાય છે અને ઇન્દ્ર હોય તે રંક થાય છે. તે જ પ્રમાણે કર્મના કારણે ચંડાળ ક્ષત્રિય થાય છે અને રંક રાજા થાય છે. કહ્યું છે કે – “જેમ જેમ પૂર્વે કરેલાં કર્મનું ફળ નિધાનની જેમ પ્રાપ્ત થાય છે તેમ તેમ પૂર્વકર્મને અનુસરતી બુદ્ધિ હાથમાં દીવાની જેમ પ્રવર્તે છે.”
પુરુષાર્થવાદી કહે છે: “કર્મથી શું વળે? પુરુષાર્થ જ સર્વનું કારણ છે. કર્મથી જ બધું થતું હોય તો બધા જ હાથ જોડીને નિરાંતે બેસી રહે. પરંતુ તેમ કોઈ કરતું નથી. દરેક પુરુષાર્થ કરવો જ પડે છે. તીર્થંકર પરમાત્મા પણ કર્મનો ક્ષય કરવા પુરુષાર્થ કરે છે. આથી પુરુષાર્થ જ બળવાન છે.”