________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ રાવણે અટ્ટહાસ્ય કરતાં કહ્યું: “હે ભવ્ય ! ભવિતવ્યતા તો મારી આગળ બિચારી રાંક છે. તે મારું કશું જ બગાડી શકે તેમ નથી. કારણ કે ઉત્તમ પુરુષોને તો પુરુષાર્થ જ પ્રમાણ છે.”
નૈમિત્તિકે વિનમ્રતાથી કહ્યું હે લંકેશ! આપનો આ એકાંતિક મત છે. ભવિતવ્યતાનું પણ ચોક્કસ મહત્ત્વ છે. આવા જ એક નિશ્ચિત ભાવિની તમને વાત કહું. “ચંદ્રસ્થળના રાજાની પુત્રી આજથી સાતમા દિવસે રત્નસ્થળના રાજાના પુત્ર સાથે લગ્ન કરશે. આ ભાવિ નક્કી છે. આ ભાવિને મિથ્યા કરવાનું આપનામાં સામર્થ્ય હોય તો તેને મિથ્યા કરી બતાવો.”
રાવણ : “એ બન્નેની મને પૂરી માહિતી આપો એટલે તેમના ભાવિને હું મિથ્યા કરી બતાવું.” નૈમિત્તિકે કહ્યું: “રત્નસ્થળના રત્નસેન રાજાએ પોતાના પુત્ર રત્નદત્ત માટે કન્યા શોધવા માટે ચાર મંત્રીઓને ચાર દિશામાં મોકલ્યા. તે ચારેયને રત્નદત્તનું ચિત્ર અને લગ્નપત્રિકા પણ આપ્યાં. થોડા દિવસોમાં ત્રણ મંત્રીઓ હતાશ બની પાછા ફર્યા. ચોથો મંત્રી ઉત્તર દિશામાં ગયો હતો. તે ચન્દ્રસ્થળ પહોંચ્યો. તેણે ત્યાંના રાજાની પુત્રી ચન્દ્રાવતીને રત્નદત્તનું ચિત્ર બતાવ્યું. તેણે રત્નદત્તને પસંદ કર્યો. બન્નેની લગ્નપત્રિકા મેળવી જોઈ. બધું બરાબર હતું. રાજાએ જોશીઓ પાસે લગ્નનું મુહૂર્ત જોવડાવ્યું. જોશીઓએ કહ્યું: “હે રાજનું! આજથી બારમા દિવસે લગ્ન માટે સર્વોત્તમ મુહૂર્ત આવે છે.” - બાર દિવસના ટૂંકા ગાળામાં લગ્ન કેવી રીતે ગોઠવવાં? રત્નસ્થળ અને ચન્દ્રસ્થળ વચ્ચે સેંકડો ગાઉનું અંતર હતું. મંત્રીએ આનો રસ્તો કાઢતાં કહ્યું: ‘વાયુવેગી લાલ સાંઢણી આપો તો કુમારને અમે ઝડપથી અહીં લઈ આવીએ.”
“ લંકેશપતિ ! આ મંત્રી સાંઢણી લઈને રત્નસ્થળ પહોંચી ગયા છે. અત્યારે એ રત્નદત્ત ચન્દ્રાવતીને પરણવા માટે ચન્દ્રસ્થળ જઈ રહ્યો છે. આ બન્નેનું લગ્ન નિશ્ચિત છે. છતાંય આપ આપના પુરુષાર્થથી તેને મિથ્યા કરી બતાડો.'
રાવણે બધી વિગતો સાંભળીને ધડાધડ હુકમો છોડ્યા : તક્ષક નાગને કહ્યું: “હે તક્ષક! તમે ઝડપથી રત્નદત્ત પાસે પહોંચી જાવ અને તેને એવો ડંખ મારો કે તેનું તત્કાળ મૃત્યુ થાય.” રાક્ષસ સેવકોને કહ્યું: ‘તમે વિના વિલંબે ઊપડો અને ચન્દ્રાવતીને અહીં લઈ આવો.'
- તક્ષક નાગે અને રાક્ષસોએ હુકમનું તત્કાળ પાલન કર્યું. રત્નદત્ત સાંઢણી પર સવાર થવા માટે એક પગ પેંગડામાં મૂકી રહ્યો હતો ત્યાં જ નાગે તેને ડંખ માર્યો. રત્નદત્ત ચીસ પાડીને ભૂમિ પર પડ્યો, રાક્ષસો ચન્દ્રાવતીને રાવણના દરબારમાં લઈ આવ્યા. તેને જોઈને નૈમિત્તિકે કહ્યું: “હા આ જ કન્યા સાથે રત્નદત્તનાં લગ્ન આજથી સાતમા દિવસે થવાનાં છે.”
હે નૈમિત્તિક ! એ લગ્ન હવે નહિ થાય. તે તમે જોશો.” એમ કહીને રાવણે તિમંગળી રાક્ષસીને હુકમ કર્યો: “ચન્દ્રાવતીને એક મોટી પેટીમાં પૂરી દે. એ પેટીમાં સાત દિવસ સુધી ચાલે તેટલું ખાવા-પીવાનું રાખજે. પેટી બંધ રાખજે અને પેટીને લઈને તું મધદરિયે ઊભી રહેજે. એ પેટીને તું તારા દાંતથી અધ્ધર પકડી રાખજે.” રાક્ષસીએ હુકમનો તુરત અમલ કર્યો.