________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૨૮
ઉતાવળે કામ કરવું નહિ सहसा विहितं कर्म, न स्यादायतिसौख्यदम् ।
पतत्रिहिंसकस्यात्र, महीभर्तुर्निदर्शनम् ॥ “ઉતાવળથી કામ કરવાથી તેનું પરિણામ સુખદ આવતું નથી, તે ઉપર પક્ષીની હિંસા કરનારનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે -
શત્રુંજય રાજાને કોઈએ એક અશ્વ ભેટ આપ્યો. અશ્વ ઉત્તમ લક્ષણવાળો, તંદુરસ્ત અને આંખને જોવો ગમે તેવો હતો. રાજાએ તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું, અશ્વની પરીક્ષા તેની ગતિથી થાય છે. કહ્યું છે કે -
અશ્વનું શ્રેષ્ઠ ભૂષણ ગતિ છે, રાજપત્નીનું તથા તપસ્વીનું ભૂષણ કુશપણું છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રવિદ્યાના બળથી આજીવિકા રળનાર પુરુષનું ભૂષણ પરાક્રમ છે.”
આમ વિચારીને રાજાએ તે અશ્વ પર સવારી કરી. એડી મારી એટલે અશ્વ પવનવેગે દોડ્યો. એવો દોડ્યો કે રાજાનું સૈન્ય પાછળ રહી ગયું. રાજા અશ્વને રોકવા જેમ જોરથી લગામ ખેંચે તેમ અશ્વ વધુ તેજ ગતિએ દોડે, છેવટે થાકીને રાજાએ લગામ જ છોડી દીધી અને ભગવાન ભરોસે ઢીલી લગામ પકડીને અશ્વ પર બેસી રહ્યો. લગામ ઢીલી પડતાં જ અશ્વની ગતિ ધીમી પડી. થોડીવારમાં તે ધીમે ધીમે ચાલવા લાગ્યો. રાજા તરત જ અશ્વ પરથી નીચે ઊતર્યો. જેવો તે નીચે ઊતર્યો કે અશ્વ હાંફતો હાંફતો ભોંય પટકાયો અને મરણ પામ્યો.
ભયાનક જંગલમાં રાજા એકલો પડી ગયો. તેને ખૂબ જ તરસ લાગી હતી. તેણે આજુબાજુ તપાસ કરી. થોડે દૂર જતાં તેણે એક ઝાડમાંથી પાણી ટપકતું જોયું. તે ત્યાં ગયો. પાંદડાનો પડિયો બનાવ્યો અને એ પડિયાને પાણી ટપકતું હતું તેની નીચે મૂક્યો.
ઝાડ પર બેઠેલા પક્ષીએ પડિયાને જોયો. તેને ખબર હતી કે એ પડિયામાં પાણી નહિ પણ ઝેર ભરાતું હતું. રાજા એ પડિયો મોંએ માંડવા ગયો ત્યાં જ રાજાનો જીવ બચાવવા એ પક્ષીએ ઊડી આવીને પોતાની ચાંચથી એ પડિયાને ફગાવી દીધો. બબ્બેવાર પક્ષીએ આમ કર્યું. આથી રાજાએ પક્ષી જો ત્રીજીવાર એવું કરે તો તેને મારી નાખવાનું મનથી નક્કી કર્યું. ત્રીજીવાર રાજાએ પડિયો હાથમાં લેતાં કોરડો પણ બીજા હાથમાં રાખ્યો. પક્ષીએ આ જોયું. પરંતુ તેણે પ્રાણની પરવા કર્યા વિના ત્રીજીવાર પણ પડિયો ફેંકી દીધો. આથી રાજાએ તેને કોરડાથી વીંઝીને મારી નાખ્યું.
પક્ષીનો તરફડાટ શમી ગયો. તેનો જીવ નીકળી ગયો. થોડીવારે રાજાને વિચાર આવ્યો