________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
છેલ્લા છટ્ઠાએ કહ્યું : “પાકેલાં જાંબુ પણ શા માટે તોડવાં જોઈએ ? પાકેલાં ઘણાં જાંબુ ભોંય ૫૨ પડ્યાં છે. તે વીણી લઈએ અને તે ખાઈને ભૂખ ભાંગીએ.” - આવા વિચાર, વૃત્તિ અને ભાવ શુક્લ લેશ્યાથી થાય છે.
ધાડ પાડનાર છ જણાનું દૃષ્ટાંત
છ ચોર ધાડ પાડવા એક ગામમાં ગયા. ત્યારે એકે કહ્યું : “આ ગામમાં જે કોઈ માણસ, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ તેમજ પશુ વગેરે જે નજરે ચડે તે સૌને મારી નાંખવા.” આવું વિચારનાર કૃષ્ણ લેશ્યાવાળો છે.
બીજાએ કહ્યું : “આપણે પશુઓને નહિ પણ માત્ર માણસોને જ મારી નાંખવા.” આવું વિચારનાર નીલ લેશ્યાવાળો છે.
ત્રીજાએ કહ્યું : “આપણે સ્રીઓને શું કરવા મારી નાંખવી જોઈએ ? આપણે માત્ર પુરુષોને જ મારવા.” આવું વિચારનાર કાપોત લેશ્યાવાળો છે.
ચોથાએ કહ્યું : “બધા જ પુરુષોને આપણે શા માટે મારી નાંખવા જોઈએ ? જે સશસ્ર પુરુષ હોય તેનો જ વધ કરવો જોઈએ.” આવું વિચારનાર તેજો લેશ્યાવાળો છે.
પાંચમાએ કહ્યું : “બધા જ શસ્ત્રધારી પુરુષોનો શા માટે વધ કરવો જોઈએ ? જે સામનો કરે તેની જ હત્યા કરવી.” આવું વિચારનાર પદ્મ લેશ્યાવાળો છે.
છેલ્લે છઠ્ઠો ચોર ઊંચા અવાજે બોલ્યો : ‘તમે સૌ ધાડ પાડવા નીકળ્યા છો કે કોઈનું ખૂન કરવા ? ધાડ પાડીને ધન લૂંટવું છે તો પછી તેમાં કોઈને મારી નાંખવાની વાત ક્યાં આવી?” આવું વિચારનાર શુક્લ લેશ્યાવાળો છે.
છ લેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિમાં જાય છે : કૃષ્ણ લેશ્માવાળો નરક ગતિ પામે છે. નીલ લેશ્યાવાળો સ્થાવરપણું પામે છે. કાપોત લેશ્યાવાળો તિર્યંચ ગતિમાં જાય છે. પીત લેશ્માવાળો મનુષ્યગતિ પામે છે. પદ્મ લેશ્માવાળો દેવગતિમાં દેવ થાય છે અને શુક્લ લેશ્યાવાળો મુક્તિને પામે છે.”
છ લેશ્યાઓનું સ્વરૂપ સાંભળીને પ્રિયંકર રાજા પ્રતિબોધ પામ્યો. આપણે પણ આ કથાનક સાંભળીને અશુભ વિચાર, વૃત્તિ ને ભાવનો ત્યાગ કરવાનો છે અને સદાય શુભ વિચાર, વૃત્તિ ને ભાવ રાખવાના છે. અશુભ લેશ્યાઓનો ત્યાગ કરવાનો છે અને શુભ લેશ્યાઓનો જીવનમાં વિકાસ કરવાનો છે.