________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૫૭
“જે માણસ શ્રી સિદ્ધાચલ ઉપર જિનેશ્વરના ધ્યાનમાં ધ્યાનસ્થ થઈને કારતક પૂનમ કરે છે, તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને અનુક્રમે મોક્ષસુખને પામે છે, કારતકી પૂનમના મહિમા સંબંધમાં કહ્યું છે કે :
एकेनाप्युवासेन, कार्तिक्यां विमलाचले । ऋषिस्त्रीबालहत्यादि- पातकान्मुच्यते जनः ॥
“શ્રી શત્રુંજયગિરિ ઉપર કારતકી પૂનમે માત્ર એક ઉપવાસ કરવાથી માણસ ઋષિહત્યા, સ્ત્રીહત્યા અને બાળહત્યા વગેરેના પાપથી મુક્ત થાય છે.” તેના મહિમાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
દ્રાવિડ-વાલિખિલ્લનું દૃષ્ટાંત
ભગવાન ઋષભદેવે દીક્ષા લેતાં અગાઉ સૌ પુત્રની જેમ પુત્ર દ્રાવિડ અને વાલિખિલ્લને પણ રાજ્ય વહેંચી આપ્યું. દ્રાવિડને મિથિલાનું રાજ્ય આપ્યું અને વાલિખિલ્લને લાખ ગામો આપ્યાં. આમ છતાંય બન્ને એકબીજાની સંપત્તિની ઈર્ષ્યા કરવા લાગ્યા અને એકમેકનું રાજ્ય લઈ લેવા પેંતરા રચવા માંડ્યા.
એક દિવસ વાલિખિલ્લ દ્રાવિડના નગરમાં આવી રહ્યો હતો. આ સમાચાર સાંભળતાં દ્રાવિડે તેને પોતાના નગરમાં આવતો અટકાવ્યો. મોટાભાઈના આ વર્તાવથી વાલિખિલ્લ રોષે ભરાયો અને તેણે સૈન્ય સાથે દ્રાવિડના નગર પર આક્રમણ કર્યું. બન્ને વચ્ચે સાત-સાત વરસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં દસેક કરોડ સુભટો માર્યા ગયા. કરોડો હાથી, ઘોડા આદિ વીંધાઈ ગયા, કપાઈ મૂઆ તોય બન્નેમાંથી કોઈએ મચક ન આપી.
ચોમાસાનાં દિવસોમાં યુદ્ધ બંધ રહેતું. આવા એક ભીના દિવસે દ્રાવિડ પોતાના પરિવાર સહિત વનનું સૌન્દર્ય જોવા નીકળ્યો. વિમલમતિ નામના પ્રધાનના કહેવાથી તે કોઈ તાપસના આશ્રમમાં ગયો. ત્યાં તે સુવલ્લુ નામના કુલપતિને મળ્યો. ત્યારે તે ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન પૂર્ણ થયું. દ્રાવિડે તેમને પ્રણામ કર્યા. સુવલ્લુએ દ્રાવિડને આશીર્વાદ આપ્યા અને ઉપદેશ પણ આપ્યો કે ઃ
“હે રાજન્ ! તમે આમ બન્ને સગા ભાઈઓ રાજ્ય માટે હિંસક યુદ્ધ લડો તે જરાય શોભાસ્પદ નથી. ભરત અને બાહુબળી પણ પોતાની ભૂલ સમજ્યા હતા અને યુદ્ધ બંધ કરીને બાહુબળી મોટાભાઈ ભરતને વિનયથી પ્રણામ કરીને તરણતારક પિતા ઋષભદેવના સંયમપંથે વળ્યા હતા. તો તમે બન્ને ભાઈઓ યુદ્ધ બંધ કરો. વેર-ઝેરને ભૂલી જાવ અને તમારા જીવનનું કલ્યાણ કરો.”
કુલપતિની પ્રેમળ વાણી દ્રાવિડના હૈયા સોંસરવી ઊતરી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ. તરત જ બધાં શસ્રો છોડી દઈને તે ઉઘાડા પગે નાના ભાઈ વાલિખિલ્લને ખમાવવા માટે દોડ્યો. મોટાભાઈના હૃદય પરિવર્તનની વાત જાણીને નાનો ભાઈ પણ સામો દોડ્યો. બન્ને એકમેકને