________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૪૯
એક દિવસ કોઈ રાજાએ ગુણસુંદરને બે ઉત્તમ અશ્વ ભેટ આપ્યા. આ અશ્વ પર બેસીને ગુણસુંદર અને પ્રભાકર અશ્વક્રીડા કરવા નીકળ્યા. ઘોડાને તેજ ઝડપે દોડાવા બન્નેએ ચાબૂક મારી, ઘોડા પૂરપાટ દોડવા લાગ્યા. જોત-જોતામાં તો બન્ને નગર બહાર જંગલમાં પહોંચી ગયા. ઘોડાની ઝડપથી જીવનું જોખમ લાગ્યું. પ્રભાકરે કહ્યું : ‘રાજન્ ! લગામ ખેંચો.' તેણે પણ લગામ ખેંચી, પરંતુ ઘોડા થોભવાના બદલે વધુ તેજ ને ચીલ ઝડપે દોડવા લાગ્યા. પ્રભાકરને લાગ્યું કે કંઈક દગો થયો છે. ઘોડા ઉત્તમ છે પરંતુ તેમને તાલીમ ઊંધી આપવામાં આવી છે. દૂર જંગલમાં ઘોડા આવ્યા એટલે પ્રભાકરે કહ્યું : ‘રાજન્ ! ઘોડાને ઊંધી તાલીમ આપ્રી છે. આથી લગામ ધીમી છોડી દો.' પોતે પણ લગામ ઢીલી છોડી દીધી અને ઘોડા તરત જ ઊભા રહી ગયા. બન્ને ઘોડા પરથી નીચે ઊતર્યા.
ગુણસુંદરે હાંફતા અવાજે કહ્યું : ‘મિત્ર ! મને ખૂબ જ તરસ લાગી છે. આટલામાં ક્યાંય પાણી મળશે ?' પ્રભાકર બોલ્યો ઃ ‘રાજન્ ! અત્યારે આપણે તદ્દન અજાણ્યા સ્થાનમાં છીએ. વળી અંધારું પણ થવા આવ્યું છે. આથી પાણી શોધવા જવાનું હિતમાં નથી. તમે એમ કરો, હું અશ્વક્રીડાએ નીકળતા સમયે આમળા લેતો આવ્યો છું. એક આમળું તમે મોંમાં રાખો તેથી તમારી તરસ છિપાઈ જશે.' અને આમ કરીને પ્રભાકર રાજકુમારને ઠેઠ રાજમહેલ સુધી પાછા લઈ આવ્યા. ત્યાં સુધીમાં તેણે ગુણસુંદરને કુલ ત્રણ આમળાં મોંમાં મૂકવા આપ્યાં. આ જાણી રાજા હેમરથે, સમયસૂચકતા અને સાહસી સ્વભાવ માટે પ્રભાકરને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ગદ્ગદ્ કંઠે આભાર માન્યો.
પ્રભાકર અહીં પિતાની બીજી વાતની કસોટી કરવા આવ્યો હતો. આથી એક દિવસ તેણે ગુણસુંદરના પુત્રને ક્યાંક સંતાડી દીધો. ભોજન સમયે રાજપુત્રને ન જોતાં ગુણસુંદરના હૈયે ધ્રાસકો પડ્યો. અન્ય રાજજનો પણ ચિંતામાં પડી ગયા : શું રાજપુત્રનું અપહરણ થયું હશે ? કોઈએ તેની હત્યા તો નહિ કરી હોય ને ?
આ બાજુ પ્રભાકરને કસમયે ઘરે આવેલો જોઈને પત્નીએ પૂછ્યું : ‘અરે ! આજ તમે રાજસભામાં કેમ નથી ગયા ? તબિયત તો તમારી બરાબર છે ને ?' પ્રભાકરે નીચું માથું રાખીને કહ્યું : ‘પ્રિયે ! હું શું કહું કે હું કેમ રાજસભામાં નથી ગયો ? મને કહેતાં શરમ ને લજ્જા આવે છે. હું અત્યારે રાજપુત્રની હત્યા કરીને આવ્યો છું. ત્યાં બધા રાજપુત્રને શોધતા હોય ત્યારે કયું મોં લઈને હું રાજસભામાં જઉં ?’
પ્રભાકરની પત્ની ગુણિયલ અને પરમ પતિભક્ત હતી. વાત સાંભળી તેણે સ્વસ્થતાથી કહ્યું : ‘હે નાથ ! તમે આમ ઉદાસ અને ઉદ્વિગ્ન ન બનો, જે થવાનું હતું તે થઈ ગયું. તેનો તમે હવે શોક ન કરો, હું જાતે રાજાને કહીશ કે ગર્ભના પ્રભાવથી મને રાજપુત્ર દુશ્મનની જેમ બાળતો હોવાથી મેં તેની હત્યા કરી છે. હું તમારી ગુનેગાર છું માટે મને જે શિક્ષા કરવી હોય તે કરો.”