________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
આ વાત ત્યાં આવી પહોંચેલા પ્રભાકરના મિત્ર વસંત શ્રેષ્ઠીએ સાંભળી. તેણે બન્નેને કહ્યું. ‘મિત્રો ! તમે આ માટે જરાય ચિંતા ન કરશો. રાજાને મળીને હું બધું જ હેમખેમ પતાવી દઈશ.' આટલું કહીને તે રાજાની પાસે ગયો અને કહ્યું : ‘રાજન્ ! રાજપુત્રની શોધ કરવી રહેવા દો. તેમનું અમંગળ થયું છે. પણ આ માટે તમે જો મંત્રી પર શંકા કરતા હોય તો તે ખોટી ને નિર્મૂળ છે.’
૫૦
વસંતની વાત પૂરી થાય ત્યાં જ પ્રભાકરની પત્ની દોડતી આવીને રાજાના પગે પડી કહેવા લાગી : ‘હે રાજન્ ! મારા પતિનો બિલકુલ વાંક નથી. દોહદના કારણે મેં જ રાજપુત્રની હત્યા કરી છે ! ત્યાં પ્રભાકર પોતે આવી પહોંચ્યો. માથું નીચું રાખીને તેણે એકરાર કર્યો : ‘હે રાજન્ ! હું તમારો અપરાધી છું. મેં તમારો વિશ્વાસઘાત કર્યો છે. મેં જ રાજપુત્રની હત્યા કરી છે. મારી પત્નીના કહેવા પર વિશ્વાસ ન કરશો. મારા પરના પ્રેમના લીધે જ તે મારો અપરાધ તેના પર લઈ લે છે.
ગુણસુંદર ત્યારે વિચારી રહ્યો કે પ્રભાકરે મારી ઘણી વખત સુરક્ષા કરી છે. જંગલમાં તેણે મને આમળાં ન આપ્યાં હોત તો આજ હું જીવતો પણ ન હોત. માટે આજે મારે તેની રક્ષા કરવી જોઈએ અને તેણે કહ્યું : ‘હે મિત્ર ! તેં મારા પર અનેક ઉપકાર કર્યા છે. જંગલમાં તે દિવસે તેં મને જીવતદાન આપ્યું હતું. એ ન આપ્યું હોત તો આજ હું ક્યાંથી હોત અને મારો પુત્ર પણ ક્યાંથી હોત ? ખેર ! જે થવાનું હતું તે થઈ ગયું. રાજપુત્રની હત્યા તેં કરી કે તારી પત્નીએ કરી તેથી કંઈ તફાવત પડતો નથી. મને તારા માટે અત્યારે કોઈ દુર્ભાવ નથી. માટે તું નચિંત રહે. તું મારો મિત્ર હતો અને આજે પણ છે.
પ્રભાકર બોલ્યો ઃ ‘રાજન્ ! આ તમારી કૃતજ્ઞતા અને ઉદારતા છે. આ તમે નહિ પણ તમારી મૈત્રી બોલે છે પરંતુ એક રાજા તરીકે તમારે હત્યારાને દંડ તો દેવો જ જોઈએ.’
ગુણસુંદરે કહ્યું : મિત્ર ! હજી તો મેં તારા એક જ આમળાનો બદલો વાળ્યો છે. બીજાં બે આમળાંનું ઋણ ચૂકવવાનું તો હજી મારે બાકી છે. એ પણ અવસરે ચૂકવી આપીશ.’
પ્રભાકરને પિતાની વાત સો ટકા સાચી લાગી. તેની આંખમાં આનંદનાં આંસુ આવી ગયા. તેણે કહ્યું : ‘રાજન્ ! ધન્ય છે તમારી મૈત્રીને તમારી ઉદારતાને ! તમે મનમાં જરા પણ શોક ન કરશો. રાજપુત્રની કોઈએ હત્યા નથી કરી. એ તો આનંદથી લીલાલહેર કરે છે અને તેને માંડીને બધી વાત કરી. રાજપુત્રને હાજર કર્યો. આથી રાજાએ પ્રભાકરનું મનમૂકીને સન્માન કર્યું.
આ કથા કહે છે કે ભવ્યજનોએ સુખી થવા માટે હંમેશાં શિક્ષિત અને સંસ્કા૨ી જનોની સાથે જ મિત્રતા રાખવી. દુર્જન, દુષ્ટ અને વ્યસની અને સ્વચ્છંદીઓ સાથે દોસ્તી રાખવાથી દુઃખી થવાનો સમય આવે છે. તેવી દોસ્તીથી પૈસા અને પ્રતિષ્ઠા બન્ને ગુમાવવાં પડે છે. જ્યારે સદાચારી અને ગુણિયલ જનોની મૈત્રી કરવાથી પ્રતિષ્ઠા વધે છે અને જીવન સુખી બને છે. માટે મૈત્રી સંબંધમાં ખૂબ જ કાળજી રાખવી અને સુપાત્ર ને સુયોગ્ય સાથે જ મિત્રતા રાખવી.