________________
૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રધાને ધનાને રાજસભામાં માનપૂર્વક બોલાવ્યો. પેલી ત્રણ સ્ત્રીઓને પણ હાજર રાખી. તેમણે નમીને ધનાએ પૂછ્યું : “મને શ્રેણિક રાજાનો જમાઈ ધારીને બોલાવ્યો છે કે શું? ત્રણેય સ્ત્રીઓએ કહ્યું: “ના. અમે તમારા પગ ધોઈને નક્કી કરવા માંગીએ છીએ કે તમે અમારા દિયર છો કે બીજા કોઈ?”
હું પરસ્ત્રી સાથે બોલતો પણ નથી, તો પછી તમને હું મારા પગનો સ્પર્શ કેમ કરવા દઉં? ના, મારે પરસ્ત્રીના સ્પર્શનું પાપ કરવું નથી.” ધનાએ મક્કમતાથી કહ્યું. છેવટે પ્રધાને બીજા પાસે ધનાના પગ ધોવડાવ્યા. જોયું તો પગમાં કમળનું ચિહ્ન હતું. આ જોઈ ત્રણેય સ્ત્રીઓને ખાતરી થઈ કે આ ધનો જ પોતાનો ચાલ્યો ગયેલો દિયર છે. દિયરને સામે જોઈને તેમના આનંદનો પાર ન રહ્યો.
ધનાએ પણ ત્રણે ભાભીને પ્રણામ કર્યા અને તેમને બહુમાનપૂર્વક પોતાના ઘરે લઈ ગયો અને પોતાના ભાઈઓને પાંચસો ગામ આપ્યાં. એ પછી ધનો પોતાની ચાર પત્નીઓને લઈને કૌશાંબી નગરી છોડીને રાજગૃહી નગરીમાં આવીને સ્થિર થયો. અહીં બીજા ચાર શ્રેષ્ઠીઓએ પોતાની એક એક પુત્રી ધનાને પરણાવી. આમ ધનાને હવે આઠ પત્નીઓ થઈ.
એક દિવસ રાજગૃહીમાં આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિ પધાર્યા. તે ચાર જ્ઞાનના ધારક હતા. ધનો સપરિવાર તેમને વંદન કરવા ગયો. તેમની દેશના પણ સાંભળી. છેલ્લે તેણે વિનયથી પૂછ્યું : “હે ભગવંત ! મારા ત્રણેય ભાઈઓ કયા કર્મથી નિધન થયા ?' આચાર્ય ભગવંતશ્રીએ તેમનો પૂર્વભવ કહ્યો :
“કોઈ એક ગામમાં ત્રણ ભાઈઓ લાકડાંના ભારા વેચી પોતાનો ગુજારો કરતા. એક સમયે તેઓ બપોરના જમવા બેઠા હતા. ત્યાં કોઈ માસક્ષમણના તપસ્વી સાધુ ગોચરી માટે પધાર્યા. ત્રણેય ઉમળકાથી તેમને છોરાવ્યું.
પણ પછી તે પસ્તાવો કરવા લાગ્યા : “અરેરે ! આપણે ભારે ભૂલ કરી. બધું જ ખાવાનું સાધુને આપી દીધું. સાધુ વગર મહેનતે બધું લઈ ગયા અને આપણે હવે આજ ભૂખે રહેવાનો વારો આવ્યો. આમ દાન દીધા બાદ પસ્તાવો કર્યો તેથી તમારા ત્રણેય ભાઈઓ વારંવાર નિર્ધન બન્યા.”
આ સાંભળીને સુભદ્રાએ વિનયથી પૂછ્યું: “હે ભગવંતું ! ક્યા કર્મથી આજ મારે માથે માટી ઊંચકવી પડી?
ભગવંતશ્રીએ કહ્યું : “ધનો પૂર્વભવમાં ડોશીનો પુત્ર હતો, ત્યારે તમે પહેલી ચારેય પત્નીઓ તેની પાડોશણ હતી. ધનાએ ખીર માંગી અને તેની માતા ગરીબાઈથી રડી રહી હતી. આથી તમારામાંથી એકે તેને દૂધ, બીજીએ ચોખા, ત્રીજીએ ખાંડ અને ચોથીએ તેજના આપ્યા હતા. આ પુણ્યથી તમે આ ભવે રાજપુત્રીરૂપે જન્મ પામ્યાં.