________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૯
ન કરવો, લોકો વાહવાહ કરશે તેવી લાલસાથી તપ ન કરવો, પરંતુ માત્ર કર્મની નિર્જરા કરવાના હેતુથી જ તપ કરવો.”
વિવેક વિના કરેલા તપથી દેહનું દમન થાય છે. તામલી તાપસે જેટલો તપ કર્યો તેટલો તપ જૈનધર્મની વિધિ પ્રમાણે કર્યો હોત તો તે સિદ્ધિને પામ્યો હોત, પરંતુ અજ્ઞાનતાથી તેણે તપ કર્યો એટલે એ તપ નિષ્ફળ ગયો.
તપસ્વીઓએ તપમાં ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ એ એક આગ છે. તપ ચંદનના કાષ્ઠ છે. તપરૂપી ચંદનકાષ્ઠમાં ક્રોધરૂપી આગનો તણખો પણ પડે તો એ કાષ્ઠને બાળીને ખાક કરી નાંખે છે. કહ્યું છે કે ‘જેમ એક દિવસનો તાવ છ માસના તેજ સમૂહને હણે છે તેમ ક્રોધ કોટી પૂર્વ વડે ઉપાર્જન કરેલ સુકૃતનો પણ એક ક્ષણમાં નાશ કરે છે.’ આથી તપસ્વીઓએ જરા માત્ર પણ ક્રોધ ન કરવો.
:
તપ પૂરો થયા બાદ તપસ્વીઓએ ઉદ્યાપન (ઉજમણું) કરવું જોઈએ. ઉદ્યાપન કરવાથી મહાફળ મળે છે. કહ્યું છે કે :- ‘જેમ દોહદ પૂર્ણ કરવાથી વૃક્ષ અને છ રસના ભોજનથી શરીર વિશેષ શોભા પામે છે, તેમ વિધિપૂર્વક ઉઘાપન કરવાથી તપ પણ વિશેષ શોભાયમાન થાય છે.’ लक्ष्मीः कृतार्था सकलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जिन बोधिलाभः । जिनस्य भक्तिजिनशासन श्रीर्गुणाः स्युरुद्यापनतो नाराणाम् ॥
“વિધિપૂર્વક ઉજમણું-ઉદ્યાપન ક૨વાથી લક્ષ્મી કૃતાર્થ થાય છે, તપ સફળ થાય છે. ઊંચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે, જિનેશ્વર સંબંધી બોધિરત્નનો લાભ થાય છે, જિનેશ્વરની ભક્તિ થાય છે અને જિનશાસનની શોભા વધે છે. આમ ઉઘાપન કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.’’
શ્રી પેથડ સંઘવીએ નવકાર મંત્રની આરાધના માટે ઉઘાપન-ઉજમણું કર્યું હતું તે સમયે પેથડે સુવર્ણમુદ્રિકા, મણિ, મુક્તાફળ, પ્રવાળા, સર્વ જાતિનાં ફળ વગેરે દ્રવ્ય, સર્વ પ્રકારના પકવાન, ચંદરવા, ધ્વજાઓ વગેરે અડસઠની સંખ્યામાં મૂક્યાં હતાં, તે જોઈને લાખો લોકોએ તપની અને જૈનધર્મની પ્રશંસા કરી હતી. આ પ્રમાણે તપસ્વીઓએ તપ પૂર્ણ થયા બાદ યથાશક્તિ ઉઘાપન-ઉજમણું કરવું જોઈએ.
ભાવધર્મનો મહિમા
दानं तपस्या शीलं नृणां भावेन वर्जितम् ।
"
अर्थहानि: क्षुधापीडा, कायक्लेशश्च केवलम् ॥
“ભાવ વિના દાન કરવાથી દ્રવ્યની જ હાનિ થાય છે. ભાવ વિનાના તપથી માત્ર દેહને જ પીડા થાય છે અને ભાવ વિનાના શીલવ્રતથી તો માત્ર કાયક્લેશ જ થાય છે; આમ ભાવ વિનાના આ ધર્મોથી કંઈ જ ફળ મળતું નથી.”
ઉ.ભા.-૪-૪