________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૪૩ કશો જ વિચાર કર્યા વિના કપિલે માથાના વાળનો લોચ કર્યો. તે જ સમયે દેવતાઓએ તેને શ્રમણનો વેષ આપ્યો. એ વેષ પહેરીને કપિલ રાજસભામાં હાજર થયો. તેને જોઈને રાજાની આંખો પહોળી થઈ ગઈ. “હે મહાત્મન્ ! તમે આ શું કર્યું?”
“રાજન્ ! જે કરવું જોઈએ તે જ મેં કર્યું છે. આજ સુધી હું મારો ધર્મ ભૂલ્યો હતો. એ ધર્મ મને જડી ગયો. મને મારા આત્માનું દર્શન થઈ ગયું છે. તમે મને માંગવા કહ્યું હતું તો હું માગું છું કે તમે મારા માટે શાસન દેવતાઓને પ્રાર્થના કરો કે તેઓ સૌ મારા આત્માના ઉદ્ધારમાં સહાયક થાય.” આટલું કહીને કપિલે રાજાને ધર્મલાભના આશીર્વાદ આપ્યા અને પાછું જોયા વિના ત્યાંથી કપિલમુનિ નગરી છોડી ગયા. વનમાં જઈને ઉત્કટ તપ અને ધ્યાન ધર્યું. છ મહિને કપિલમુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
એક દિવસ કેવળી કપિલમુનિને લાગ્યું કે બલભદ્ર વગેરે પાંચસો ચોર પ્રતિબોધ પામી શકે છે. આથી ઉગ્ર વિહાર કરીને તે રાજગૃહીનગરીની નજીકના એક ભયાનક જંગલમાં જઈ પહોંચ્યા. પોતાના પડાવે કુશ મુનિને આવેલા જોઈને ચોરના સરદાર બલભદ્રે પૂછ્યું : “હે મુનિ ! તમને નૃત્ય કરતાં આવડે છે ' - પાંચસો ચોરના જીવનોદ્ધારનો લાભ જોઈને કપિલમુનિએ કહ્યું: “કોઈ વાજિંત્ર વગાડે તો હું નૃત્ય કરીશ.” બલભદ્રે કહ્યું : “કોઈ વાજિંત્ર તો અમારી પાસે નથી પણ અમે તમને હાથની તાલીઓનો તાલ આપીશું. એ તાલે નૃત્ય કરજો.”
ચોરોએ તાલીઓના તાલ પાડ્યા અને કપિલમુનિ ઉપયોગપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. તેમની સાથે ચોરો પણ નાચવા લાગ્યા. સૌને તાનમાં આવેલા જોઈને મુનિએ વૈરાગ્યપ્રેરક ગીત ગવડાવ્યું. સંસારની અસારતા સમજાવતા એ ગીતની પંક્તિઓ સૌ ગાવા લાગ્યા. એ ગીત ગાતાં ગાતાં સૌના હૈયે થયું કે આજ સુધીનું આપણું જીવન વ્યર્થ ગયું. હવે બાકીનું જીવન સફળ કરવા આપણે આ મુનિનું શરણ અંગીકાર કરવું જોઈએ, અને પાંચસો ચોરોએ નૃત્ય બંધ કરીને મુનિના ચરણે પોતાનું જીવન સમર્પણ કર્યું. કેવળી કપિલમુનિએ સૌને દીક્ષા આપી, દેવતાઓએ સૌને મુનિવેષ આપ્યો.
કપિલમુનિનું આ દષ્ટાંત સાંભળીને, ભવ્ય જીવોએ તમામ વ્યવહારમાં વિવેકને સદા અને સર્વત્ર જાગ્રત રાખવાનો છે. પોતે જે વિચાર કરી રહ્યો છે તે સારો વિચાર છે કે ખરાબ? પોતે જે કામ કરી રહ્યો છે તે કામ કરવું યોગ્ય છે કે અયોગ્ય? પોતે જે બોલી રહ્યો છે તે બોલવું ઉચિત છે કે અનુચિત? પોતે જે વર્તી રહ્યો છે તે વર્તન ઠીક છે કે અઠીક? તેમ વિચારવા, બોલવા અને વર્તાવથી પોતાના આત્માનું અહિત તો થતું નથી ને ! વગેરેનો સમુચિત ને સમ્યફ નિર્ણય કરવો જોઈએ અને જેનાથી આત્માનું હિત થાય તેવા જ વિચાર, વાણી અને વર્તન રાખવાં જોઈએ.
O