________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
દાસીની વાત ને વિનંતી સાંભળી કપિલે કહ્યું: “પ્રિયે ! મારા માટેના તારા પ્રેમને હું સમજું છું. પરંતુ હું આવું ન વિચાર. આવું સીથી ન કરાય.”
દાસીએ ત્યારે જીદ ન કરી. કપિલની વાત માની લીધી. થોડા દિવસ બાદ શહેરમાં જાહેર ઉત્સવનો દિવસ હતો. દાસીને તેમાં ભાગ લેવો હતો. પરંતુ તે માટે પહેરવા સારાં કપડાં ને ઘરેણાં ન હતાં. વેણી લાવવા જેટલા પણ પૈસા ન હતા, દાસીએ રડતાં રડતાં કપિલને આ બધી વાત કરી અને ઉત્સવમાં લઈ જવા જીદ કરી. કપિલે કહ્યું : “પણ પ્રિયે ! હું પૈસા ક્યાંથી લાવું?”
હું તેનો ઉપાય બતાવું છું દાસીએ ઉત્સાહથી કહ્યું : “પ્રિયે ! પૈસા નથી તેથી ઉદાસ ન બનો. આ નગરમાં ધનો નામનો શ્રેષ્ઠી રહે છે. સવારના સૌ પ્રથમ તેને જે જગાડે, તેને તે બે માસા સુવર્ણ આપે છે. તો તમે કાલે સૌથી છેલા અને પહેલા જઈને એ શ્રેષ્ઠીને ઉઠાડો અને એ સુવર્ણ લઈ આવો.”
દાસીની વાત કપિલને ગળે ઊતરી ગઈ. આખી રાત તેણે અજંપામાં ગાળી, અને બ્રાહ્મ મુહૂર્ત પહેલાં જ તે છાનોમાનો પંડિતના ઘરેથી નીકળીને ધના શ્રેષ્ઠીના ઘરે જવા નીકળી પડ્યો. ગગનમાં ત્યારે તારાઓ ચમકતા હતા અને ચોતરફ અંધકારનું સામ્રાજય હતું છતાંય કપિલ પોતાની ધૂનમાં ચાલ્યો જતો હતો. ત્યાં રાજ્યના કોટવાળોએ તેને પકડી લીધો અને રાજા પ્રસન્નજિત સમક્ષ વહેલી સવારના હાજર કર્યો. કપિલે વિનયપૂર્વક પેટ છૂટી બધી વાત કહી. રાજાને પ્રતીતિ થઈ કે યુવાન ચોર નથી. ચોરી કરવાનો તેનો ઇરાદો નથી. તેથી રાજાએ કહ્યું: “હે મહાત્માનું ! તમારી નિખાલસતા અને સચ્ચાઈથી હું પ્રસન્ન થયો છું. માટે તમને જે જોઈએ તે નિઃસંકોચ માંગો હું તમને તે પ્રેમથી આપીશ.”
કપિલના આનંદનો પાર ન રહ્યો. તે બોલ્યો : “આપની ઉદારતાને ધન્ય છે. રાજનું! આપ માંગવાનું કહો છો તો મને વિચારવાનો થોડોક સમય આપો” રાજાએ કહ્યું : “ભલે ભદ્ર! એમ કરો. વિચારીને માંગો.”
કપિલ વિચારવા માટે રાજાના અશોકવનમાં ગયો. તેનું મગજ અનેક વિચારો અને વિકલ્પોથી ધમધમી રહ્યું. વિચારતાં વિચારતાં અચાનક જ તેને ઝબકાર થયો : “અરેરે ! હું આ શું કરી રહ્યો છું? હું તો અહીં વિદ્યાભ્યાસ કરવા આવ્યો છું. મારે રાજપુરોહિતનું પદ મેળવવું છે. તેના બદલે હું આ પ્રેમના ફંદમાં ક્યાં ફસાઈ ગયો? એ ફંદમાં મેં કેટકેટલાંનો દ્રોહ કર્યો ! ગુરુદેવનો વિશ્વાસઘાત કર્યો, માતાનો વિશ્વાસઘાત કર્યો. જેના ઘરનું અનાજ ખાધું એ ઘરના શ્રેષ્ઠી સાથે પણ મેં બનાવટ કરી. ઓહ ભગવાન ! મેં આ શું કર્યું? શું કર્યું? ધિક છે મારી વાસનાને ! આમ ઉહાપોહ કરતાં કરતાં કપિલને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનનો પ્રકાશ થતાં જ તેને પોતાના પરમ ને ચરમ કર્તવ્યની યાદ તાજી થઈ. આત્મધર્મની ઓળખ થઈ અને બીજો