________________
૩૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ વિના ઘર છોડી ગયા. ત્યારથી હું મારા સસરાની સેવા કરું છું અને મારા નાથના મિલનની રાહમાં દિવસો પસાર કરું છું?'
તારો પતિ ચાલ્યો ગયો તો તું બીજાં લગ્ન શા માટે નથી કરી લેતી? તારી ઇચ્છા હોય તો મારા ઘરે રહી જા. હું તને તારા પતિ કરતાંય વધુ સુખ અને વૈભવમાં રાખીશ.' ધનાએ સુભદ્રાને લલચાવવાનો પ્રયત્ન કર્યો.
સુભદ્રા આથી ગુસ્સે થઈ ગઈ. તે દૃઢતાથી બોલી : “શેઠશ્રી, આપને કદાચ ખબર નહિ હોય પરંતુ ખીલેલા પુષ્પની બે જ ગતિ હોય છે. કાં તો તે ભગવાનની પૂજાના ઉપયોગમાં આવે છે. કાં તો તે જમીન પર ખરી પડે છે. તે જ પ્રમાણે ખાનદાન સ્ત્રીની પણ બે જ ગતિ હોય છે. તેના શરીરનો સ્પર્શ માત્ર તેનો પતિ જ કરે છે અથવા અગ્નિ જ તેને આખા શરીરને સ્પર્શે છે. માટે હવે આપ ફરીથી આવી અનુચિત માંગણી ક્યારેય ન કરશો.”
આમ સુભદ્રાની પતિભક્તિ અને તેનું શુદ્ધ ચારિત્ર જોઈને ધનાએ તરત પોતાની સાચી ઓળખ આપી. સામે સાક્ષાત્ પતિને જોઈ તે હર્ષથી રડતી તેના પગે પડી. ધનાએ તેને પ્રેમથી ઊભી કરી. આંસુ લૂક્યાં અને ઘરે લઈ જઈને તેને પોતાની મુખ્ય પત્ની બનાવી. એ પછી તેણે પોતાનાં માતા-પિતા અને ભાઈઓને પણ સન્માનપૂર્વક પોતાના ઘરે બોલાવી લીધાં.
આ ઘટનાને ત્રણે ભાભીએ અવળી રીતે વિચારી: “આપણાં સાસુ-સસરાને અને સ્વામીને આ ધનાએ કેદ કર્યા છે માટે શતાનિક રાજા પાસે જઈને, તેની ફરિયાદ કરવી જોઈએ.” રાજાએ ફરિયાદ સાંભળીને ધનાને ત્યાં કોટવાળ મોકલ્યો અને કહ્યું : “ફરિયાદીના કુટુંબીજનોને તમે તત્કાળ મુક્ત કરો ધનાએ વળતું કહ્યું: “હે કોટવાળ ! રાજાને જઈને કહેજો કે મેં કોઈને કેદ કર્યા નથી. હું કદી કોઈને અન્યાય કરતો નથી અને મારા કુટુંબના મામલામાં રાજાને વચમાં પડવાની જરૂર નથી.”
રાજાને આ સાંભળી પોતાનું અપમાન લાગ્યું, તેણે સુભટોને ધનાને જીવતો પકડી લાવવા આદેશ કર્યો. પરંતુ ધનાએ એ બધા સુભટોને હરાવી દીધા, આ જોઈ પ્રધાને રાજાને કહ્યું : “હે રાજન્ ! આ ધનો શેઠ સદાચારી, ન્યાયી અને ધર્માત્મા છે. પરસ્ત્રીનો સહોદર છે. આથી ફરિયાદી સ્ત્રીઓની પૂછપરછ કરવાથી સત્યની જાણ થશે.
- પ્રધાને ત્રણેય સ્ત્રીને પૂછ્યું: “ધના નામનો તમારો કોઈ સ્વજન છે?' ત્રણેયે કહ્યું: “હા, છે પરંતુ ઘણા સમયથી અમારા એ દિયર અમને છોડીને જતા રહ્યા છે. તે જીવે છે કે નહિ, તેની પણ અમને ખબર નથી.' પ્રધાને બીજો પ્રશ્ન પૂછ્યો : “તમે તમારા દિયરના શરીરનાં કોઈ વિલક્ષણ લક્ષણને ઓળખો છો?' ત્રણેયે કહ્યું: “હા, અમારા દિયર નાના હતા ત્યારે અમે તેમને નવરાવતા હતા. ત્યારે અમે તેમના પગમાં કમળનું ચિહ્ન જોયું હતું.”