________________
૨૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તેમણે પછી કોઈ જ આલોયણા ન લીધી અને કાળધર્મ પામ્યા. આમ વસુદેવ મુનિ જ્ઞાની તો બન્યા પણ પાછળથી રૌદ્ર ધ્યાનથી જીવ્યા અને તેવા ધ્યાનમાં જ તે મૃત્યુ પામ્યા.
“હે રાજન્ ! એ વસુદેવમુનિ તે આજ તારો વરદત્ત પુત્ર થયો છે. અશુભ ધ્યાનના કર્મથી તે આજ રોગથી રિબાય છે અને જ્ઞાન તેમને ચડતું નથી. આ કર્મનો ક્ષય કરવા માટે તેણે પણ જ્ઞાનપંચમી વ્રતનું આરાધન કરવું. એ તપના પ્રભાવથી તેનો રોગ પણ દૂર થશે અને તેને જ્ઞાન પણ ચડશે.’”
ત્યારબાદ વરદત્ત અને ગુણમંજરીએ વિધિપૂર્વક જ્ઞાનપંચમીની આરાધના કરવા માંડી. તપના પ્રભાવથી બન્ને નીરોગી થઈ ગયાં. ગુણમંજરી બોલતી થઈ. વરદત્ત બુદ્ધિમાન થયો. સમય જતાં વરદત્ત સ્વયંવરમાં આવેલ એક હજાર રાજકન્યાને પરણ્યો અને ખૂબ રાજ્યસુખ ભોગવ્યું. અને છેલ્લે પોતાના પુત્રને રાજગાદી સોંપીને તેણે દીક્ષા અંગીકાર કરી.
ગુણમંજરીના પણ જિનચંદ્ર નામના યુવાન સાથે લગ્ન થયાં. સમય જતાં તેણે પણ દીક્ષા લીધી. કાળક્રમે વરદત્ત અને ગુણમંજરી મરીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવ થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને વરદત્ત વિદેહ ક્ષેત્રમાં પુંડરિકિણી નગરીમાં અમરસેન રાજાની રાણી ગુણવતીની કુક્ષિએ શૂરસેન નામે પુત્રરૂપે જન્મ પામ્યો. યુવાન વયે તે અનેક રાજકન્યાઓને પરણ્યો. તેના પિતાએ તેને રાજ્યની જવાબદારી સોંપી.
એક દિવસ તેના નગરના એક ઉદ્યાનમાં શ્રી સીમંધરસ્વામી ભગવંત સમોસર્યા. ભગવાને ધર્મદેશનામાં જ્ઞાનપંચમી તપનો મહિમા વર્ણવ્યો અને કહ્યું કે “ભવ્ય જીવોએ વરદત્તની જેમ આ વ્રતનું ઉલ્લાસપૂર્વક ઉત્કટ ભાવથી આરાધન કરવું જોઈએ.” આ સાંભળી શૂરસેને પૂછ્યું કે “હે ભગવંત ! આ વરદત્ત કોણ હતો ?” ભગવંતે વરદત્તની કથા કહી. ભગવંત મુખે પોતાનો પૂર્વભવ જાણીને શૂરસેને આ ભવે પણ જ્ઞાનપંચમીની આરાધના કરી. તેણે દસ હજાર વરસ સુધી રાજ્યની જવાબદારી સંભાળી અને પછીથી શ્રી સીમંધર પરમાત્મા પાસે દીક્ષા લીધી. એક હજા૨ વરસ સુધી તેમણે ઉત્કૃષ્ટપણે ચારિત્ર્ય ધર્મનું પાલન કર્યું અને કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
આ બાજુ ગુણમંજરીનો જીવ દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં રમણી નામના વિજયમાં અમરસિંહ રાજાની રાણી અમરવતીની કુક્ષિએ સુગ્રીવ નામે પુત્ર રૂપે ઉત્પન્ન થયો. સુગ્રીવ વીશ વરસનો યુવાન થયો. ત્યારે તેને રાજ્ય ભળાવી તેના પિતાએ દીક્ષા લીધી.
સુગ્રીવે ભરચક્ક રાજસુખ ભોગવ્યું. અનેક રાજકન્યાઓ સાથે ભોગ ભોગવ્યા. તેનાથી તેને ચોરાશી હજાર પુત્રો થયા. સમય જતાં તેણે પણ રાજસુખનો ત્યાગ કરીને દીક્ષા લીધી. એક લાખ વરસ સુધી ચારિત્ર ધર્મનું સુંદર પાલન કરીને કેવળજ્ઞાન પામી તે પણ મોક્ષે ગયા.
આમ જ્ઞાનપંચમી વ્રતની આ કથાથી ભવ્ય જીવોએ બોધ લેવાનો છે કે જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ સવિશેષ છે. સંસારનો-ભવભ્રમણનો અંત કરવા માટે સમ્યજ્ઞાન અત્યંત અનિવાર્ય છે. જ્ઞાન વિના જીવનમાં ઘોર અંધારું છે. જ્ઞાન વિના જીવ વિવિધ યોનિઓમાં ભમ્યા કરે છે.