________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૫
૧૦૮ મા ભવે માધવ ગોવાળનો કર્મ-બંધ પાતળો પડ્યો. આ ભવમાં તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા જીવનમાં નિઃસંગપણે વ્રતનું આરાધન કરતાં તેને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ એવું બન્યું કે તે ધ્યાન ધરી રહ્યો હતો. ત્યારે કોઈ ચોર તેની પાસે ચોરીના અલંકારો મૂકી ગયો. ચોરની તપાસમાં આવેલા રાજસુભટોએ તેની પાસે એ અલંકારો જોઈને તેને જ ચોર સમજીને બાંધીને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને શૂળીની સજા ફરમાવી.
- માધવ ગોપાળ જાણતો હતો કે પોતે અલંકાર ચોર્યા નથી અને પોતે ચોર નથી જ. પરંતુ વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણીને તે હસતા મોંએ શૂળી પર ચડી ગયો. આ સમયે તેણે પોતાના આત્માની નિંદા કરી. ચોરી માટે તેને કોઈનો દોષ ન વિચાર્યો. પોતાના જ પૂર્વકર્મને દોષ આપ્યો અને સમતાભાવે વેદના સહન કરી શુભ ધ્યાનમાં જ તે મૃત્યુ પામ્યો. આથી મરીને તે દેવ થયો.
ભવ્ય જીવોએ આ ગોવાળનું દષ્ટાંત જાણીને કોઈપણ નાના કે મોટા જીવની ક્યારેય કોઈપણ સંજોગોમાં હિંસા ન કરવી જોઈએ. હિંસાના પાપથી દુર્ગતિ થાય છે. જ્યારે અહિંસાથી સુગતિ થાય છે. આથી વિવેકજનોએ અભયદાન આપવામાં હરહંમેશ તત્પર અને ઉત્સાહી બનવું જોઈએ.
- દાનના પાંચ પ્રકાર છે: ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. અનુકંપાદાન, ૪. ઉચિતદાન, ૫. કીર્તિદાન. પ્રથમનાં બે અભયદાન અને સુપાત્રદાનથી મોક્ષ મળે છે. જ્યારે બાકીના ત્રણ પ્રકારનાં દાન દેવાથી સાંસારિક સુખોપભોગ મળે છે.
અભયદાનઃ બંધનથી, વધથી, અતિભારથી, મારથી, ઉપેક્ષાથી અને ઉદાસીથી વગેરે દુઃખોથી રિબાતા, પીડાતા અને દુઃખી થતા જીવોને તે દુઃખમાંથી છોડાવવા-મુક્ત કરવા તે અભયદાન છે.
સુપાત્રદાનઃ સુ એટલે સારું. પાત્ર એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિ-રત્નનું સ્થાન. સુ એટલે અતિશયે કરીને પાત્ર એટલે પાપથી રક્ષણ કરનાર. આ પ્રમાણે અન્વયાર્થ સંજ્ઞાવાળું સુપાત્રદાન દુર્લભ છે.
અનુકંપાદાનઃ દીન અને દુઃખી, ગરીબ અને કંગાળ, રોગી અને બીમાર લોકોને પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વિના માત્ર દયાભાવથી પ્રેરાઈને સહાનુભૂતિથી તેમને અન્ન, વસ્ત્ર, વસવાટ, ઔષધ વગેરે આપવા તે અનુકંપાદાન છે. કહ્યું છે કે –
दानकाले महेभ्यानां; किं पात्रापात्रा चिंतया ।
दीनाय देवदूष्याधु, यथादात् कृपया प्रभुः ॥ “દાતારને દાન આપવા સમયે પાત્ર-અપાત્રનો શા માટે વિચાર કરવો જોઈએ? જુઓ ભગવાન મહાવીરે કૃપાથી બ્રાહ્મણને અર્થે દેવદૂષ્ય આપી દીધું.”