________________
૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ બનાવી. પુત્ર એ બધી જ ખીર એકલો ઝપાટાબંધ ખાઈ ગયો. વધુ ખાવાથી તેને ઝાડા થયા અને પેટમાં સખત દુઃખાવો ઊપડ્યો અને આ રોગમાં જ એ રાતે તે મરણ પામ્યો. મરતાં અગાઉ તેણે ઉલ્લસિત હૈયે સુપાત્રદાન આપ્યું હતું. આથી તેનો જીવ તે જ નગરના ધનસારના ઘરે ચોથા પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેના જન્મ બાદ ઘરમાં ધનની ખૂબ જ વૃદ્ધિ થઈ, આથી તેનું નામ “ધનો' પાડ્યું.
બીજા ત્રણ પુત્રોની અપેક્ષાએ ધનો વધુ વિનયી, વિવેકી અને ગુણિયલ હતો. આથી તે માતા-પિતાનો વધુ લાડકો બન્યો હતો. બીજા મોટા ભાઈઓથી આ પક્ષપાત સહન ન થતો. એક દિવસ એ બધા પિતા પાસે ભેગા થયા. મોટાએ પિતાને પૂછ્યું : “ધનો સૌથી નાનો છે. તોય તમે તેને અમારાથી વધુ કેમ આદર આપો છો?' પિતાએ કહ્યું : “એ નાની જરૂર છે પરંતુ તેનામાં ગુણો વિશેષ છે. તેથી તેને વધુ આદર આપું છું’ આથી અદેખા ભાઈઓ એક સાથે બોલી ઊઠ્યા: “પિતાજી ! જો એમ જ કારણ હોય તો તમે એના અને અમારા ગુણોની પરીક્ષા લો.' પિતાએ પુત્રોની પરીક્ષા કરવા દરેકને બત્રીશ બત્રીશ સોનામહોર આપતાં કહ્યું: ‘લો, આ સોનામહોરો અને તેટલાથી વેપાર કરીને નફો રળી લાવો.”
ધનાએ બત્રીશ મહોર આપીને તગડો, બલિષ્ઠ અને નીરોગી પાડો ખરીદ્યો. આ પાડાને રાજપુત્રના પાડા સાથે લડાવવા ત્રણ હજાર સોનામહોરની શરત લગાડી. ધનાએ પાડાને બરાબર તાલીમ આપી હતી. આથી તે શરતમાં ત્રણ હજાર સોનામહોર જીતી ગયો. તે તેણે પિતાજીને પાછી આપી. બીજા ભાઈઓએ કંઈ ને કંઈ વેપાર કર્યા. પરંતુ તેમાં તેમને ખોટ ગઈ.
ધનો રહેતો હતો એ નગરમાં જ એક ખૂબ ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. સ્વભાવે તે કંજૂસ હતો. ધનને તેણે ઘરમાં દાઢ્યું હતું અને રત્નોને પોતે વાપરતો તે પલંગમાં સંતાડ્યાં હતાં. એ પલંગને તે દાટેલા ધનના ખાડા પર જ રાખતો અને તેના ઉપર સૂઈ રહેતો. મરણ સમયે તેણે પુત્રોને કહ્યું : “મરી જઉં ત્યારે મને આ પલંગ સાથે જ બાળજો.”
પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રો પિતાના મૃતદેહને પલંગ પર જ બાંધીને લઈ ગયા. ચાંડાલે પોતાના હક્કથી એ પલંગ માગ્યો. પિતાની ઇચ્છાને માન આપવા પુત્રોએ પલંગ આપવા ના પાડી. આથી ચાંડાલ સાથે તેમને ઝઘડો થયો. છેવટે વડીલોની સમજાવટથી એ પલંગ ચાંડાલને આપી દીધો.
ચાંડાલ એ પલંગ લઈને ચૌટામાં વેચવા આવ્યો. ધનો ત્યારે ત્યાં જ હતો. તેણે પલંગ જોયો. પોતાની વિદ્યાથી તેણે જોયું કે પલંગમાં છૂપો ખજાનો છે. તેણે તરત જ મોં માંગ્યા દામ આપી પલંગ ખરીદી લીધો. ઘરે લાવીને તેને તોડ્યો તો તેમાંથી અનેક મૂલ્યવાન રત્નો મળ્યાં. ધનો આથી રાતોરાત માલદાર થઈ ગયો.
ધનાના આ ભાગ્યને ભાઈઓ સહન ન કરી શક્યા. તેઓએ ધનાને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું. આની ગંધ તેમની પત્નીઓને આવી. ભાભીઓને દિયર હાલો હતો. તેમાંથી એકે ધનાને ચેતવી દીધો. આથી ધનો રાતે ચુપચાપ ઘર છોડી ગયો.