________________
૨૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
અનુકંપાદાન અંગે જગડુશાનું દૃષ્ટાંત
દુષમ-દુકાળના સમયમાં જગડુશાએ પણ માત્ર દયા અને અનુકંપાથી અઢળક ધાન્ય અનેક રાજાઓને આપ્યું હતું.
આ અંગે ઇતિહાસમાં નોંધાયું છે કે
જગડુશા નામના શ્રાવકે દુકાળના સમયમાં વિશળરાજાને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્હીના સુલતાનને એકવીશ હજાર મુંડા અનાજ આપ્યું હતું. તે સમયે જગડુશાએ ૧૧૨ દાનશાળા ખોલી હતી. ત્યાં એ રોજ સવારે સૌને દાન આપતા. ખાનદાન ઘરની સ્ત્રીઓ દાન લેતાં લજવાય અને ખચકાય નહિ આથી તેમની અને દાન લેનાર વચ્ચે એક પડદો બાંધવામાં આવ્યો હતો.
એક દિવસ વિશળરાજા પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેષ બદલીને દાન લેવા ગયા. પડદામાં તેમણે હાથ ધર્યો. એ ખુલ્લી હથેલી જોઈને જગડુશા વિચારમાં પડી ગયા. તેમને થયું ‘આ તો કોઈ રાજાનો હાથ લાગે છે. ખૂબ જ ભાગ્યશાળી છે. આ વ્યક્તિ પણ દુકાળના કારણે આજે આપનારનો હાથ લેવા માટે લંબાયો છે. આથી મારી ફરજ છે કે તેની જિંદગીભરની ગરીબી દૂર થઈ જાય તેવું જ કંઈક તેમને આપું.' અને જગડુશાએ પોતાની આંગળી પરની એક રત્નજડિત વીંટી વેશધારી વિશળરાજાના હાથમાં મૂકી દીધી. એ જોઈ રાજાએ પુનઃ ડાબો હાથ ધર્યો. એ હાથમાં પણ જગડુશાએ એવી જ બીજી રત્નજડિત વીંટી મૂકી દીધી. રાજા બન્ને વીંટી લઈ રાજમહેલમાં આવ્યો.
બીજે દિવસે વિશળદેવ રાજાએ જગડુશાને સન્માનથી રાજ્યસભામાં બોલાવ્યો. પેલી બે વીંટી તેમને બતાવીને પૂછ્યું. “શ્રેષ્ઠી ! આ શું છે ?” ત્યારે જગડુશાએ કહ્યું :
सर्वत्र वायसाः कृष्णाः सर्वत्र हरिताः शुकाः । सर्वत्र सुखिनां सौख्यं, दुखं सर्वत्र दुःखिनाम् ॥
“કાગડાઓ સર્વત્ર કાળા જ હોય છે, પોપટો બધે જ લીલા હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ હોય છે અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ જ હોય છે.” આમ કહીને જગડુશા રાજાને પ્રણામ કરવા ગયો, પરંતુ રાજાએ તેમને તેમ કરતાં અટકાવ્યા અને તેમને હાથી પર બેસાડીને સન્માનપૂર્વક . વિદાય આપી. આમ આ ત્રીજું અનુકંપાદાન છે. આજે આવા અનુકંપાદાનની અતિ જરૂર છે.
ઉચિતદાન : યોગ્ય અવસરે ઇષ્ટ અતિથિને, દેવ-ગુરુના આગમનની, નવનિર્મિત જિનપ્રાસાદ અને જિનપ્રતિમાના પ્રતિષ્ઠાદિ મહોત્સવની વધામણી આપનારને, લેખક-કવિ આદિ સાહિત્યકારોને, શિક્ષક-પંડિત-શાસ્રીઓને, વિદ્યાર્થીઓને, કલાકારોને પ્રસન્ન ચિત્તે આપવું તેને ઉચિત દાન કહેવાય છે.