Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬ ૦
મુખ્યપણે પાપ ન કરવું તે જ પ્રતિક્રમણ છે. અપવાદે પાપ નહિ કરવાનો અનુબંધ પાડનાર પ્રતિક્રમણ પણ મુખ્ય પ્રતિક્રમણનો હેતુ છે. કારણ કે–(પાપ નહિ કરવાનો) અનુબંધ એ જ અહીં સમતારૂપી રસને વરસાવનાર મેઘ છે.
શંકા ૩ : પ્રતિક્રમણ ભૂતકાળનાં પાપનું જ હોઈ શકે, પરંતુ વર્તમાન કાળ અને અનાગત કાળના પાપનું કેવી રીતે હોઈ શકે ?
સમાધાન : પ્રતિક્રમણનો હેતુ અશુભ યોગથી નિવૃત્તિનો છે. તેથી જેમ અતીતકાલના દોષનું પ્રતિક્રમણ નિંદા દ્વારા થાય છે, તેમ વર્તમાન કાળના દોષનું પ્રતિક્રમણ સંવર દ્વારા અને અનાગત કાળના દોષનું પ્રતિક્રમણ પચ્ચખ્ખાણ દ્વારા થઈ શકે છે, કારણ કે સંવર અને પચ્ચખ્ખાણ ઉભયમાં અશુભયોગની નિવૃત્તિ પ્રધાન છે.
શંકા ૪ : પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની શું જરૂર છે?
સમાધાન : શાસ્ત્રમાં સામાયિક ચાર પ્રકારનાં કહ્યાં છે : સમ્યક્તસામાયિક, શ્રુત-સામાયિક, દેશવિરતિ-સામાયિક અને સર્વવિરતિ-સામાયિક. પ્રતિક્રમણ કરનારમાં સમ્યક્ત-સામાયિક અને શ્રુત-સામાયિક સંભવે છે. સમ્યક્ત-સામાયિક એટલે મિથ્યાત્વ-મલનો અપગમ અને તેથી ઊપજતી જિનવચનમાં શ્રદ્ધા. શ્રુત-સામાયિક એટલે જિનોક્ત-તત્ત્વોનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેથી ઊપજતો અવિપરીત બોધ. દેશવિરતિ સામાયિક એટલે પાપની આંશિક નિવૃત્તિરૂપ પ્રયત્ન. સર્વવિરતિ-સામાયિક એટલે પાપથી સર્વાશ નિવૃત્તિ કરવારૂપ પ્રયત્ન. એ ચારેય પ્રકારના સામાયિકથી ચુત થવું તે ઔદયિકભાવ છે. એ ઔદયિક ભાવમાંથી અર્થાત પરભાવમાંથી ખસીને, ફરી પાછું, સામાયિક રૂપી ક્ષાયોપથમિક ભાવ અર્થાત્ આત્મભાવમાં જવું તે પ્રતિક્રમણ છે. આ ઉપરથી પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની જરૂર શા માટે છે? તે સ્પષ્ટ થાય છે. સામાયિક એ સાધ્ય છે અને પ્રતિક્રમણ એ સાધન છે. તેથી સામાયિકરૂપી સાધ્યને લક્ષમાં રાખવાપૂર્વક જ પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ, એવું શાસ્ત્રકારોનું વિધાન છે.
શંકા ૫ : જેને અતિચાર લાગે તે જ પ્રતિક્રમણ કરે, બીજાને પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org