________________
તા. ૨૨-૧૧-૧૯૫૩ : સાવરકુંડલા ચાતુર્માસ વિદાય સમારંભ
સાવરકુંડલાનું ચાતુર્માસ પૂરું થયું. આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અહીં વિવિધ જાતની પ્રવૃત્તિઓ થઈ. ખેડૂતોનો એક વર્ગ રાખ્યો, ભાલનળકાંઠાના કાર્યકરોનો વર્ગ રખાયો. ગ્રામસેવા, મંડળના રચનાત્મક કાર્યકરોનો વર્ગ રખાયો. હરિજન સંમેલન થયું, ગોપાલક સંમેલન થયું, મોચી જ્ઞાતિનું સંમેલન થયું, વિદ્યાર્થીઓની સભાઓ થઈ, બહેનોની સભાઓ થઈ અને પછાત વર્ગ હરિજન વગેરેનો સંપર્ક થયો. ઉપરાંત સવાર-સાંજની પ્રાર્થના અને પ્રવચનો થયાં. રાતની પ્રાર્થનાસભામાં જનતાની હાજરી ઘણી રહેતી હતી. દુર્ભાગ્યની વાત એ હતી કે જુદા જુદા વાદો, જુદા જુદા પક્ષો અને વેચાણવેરાની અસરને કારણે કેટલીક ગેરસમજ થઈ હોવાને કારણે જનતાએ જે લાભ લેવો જોઈતો હતો તેટલો ન લઈ શકાયો. જે લોકોએ ગેરસમજ ઊભી કરી હતી, તેમણે મોટું પાપ કર્યું છે.
ચારમાસ મહારાજશ્રીનો સંપર્ક રહે તો ગમે તેવા માણસને પણ આદર્શ જીવન જીવવાની દિશા મળી રહે. આ ચાતુર્માસમાં એકંદર ખૂબ સંતોષકારક કામ થયું.
વિહારની આગલી રાતે મહારાજશ્રીએ ગામના પ્રેમની કદર કરી અને પોતાના કેટલાક વિચારો જુદા પડતા હોવા છતાં, કુંડલાવાસીઓએ જે વિનયવિવેક દર્શાવ્યાં છે, એની મારા મનમાં સુંદર અસર પડી છે. એવા પ્રેમોગારો કાઢ્યા.
ગામમાં જે ગંદકી છે અને બહેનો, બાળકો જે બેશરમ રીતે જયાં ત્યાં શૌચ બેસી જાય છે તે પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું અને એ અંગે કંઈક સક્રિય સુધારો કરવા સ્થાનિક આગેવાનોને જણાવ્યું. જનતા અને સુધરાઈ બંને મળીને કામ કરશે તો પરિણામ સારું આવશે, એવી આશા વ્યક્ત કરી.
સમાજમાં રાજદ્વારી ક્ષેત્રે વિવિધ પક્ષો ઉલ્લેખ કરી જણાવ્યું કે : દરેકની માન્યતા તો જુદી જુદી રહેવાની. પણ સાધનશુદ્ધિની સૌ ખેવના રાખે. નાના નાના બાળકોને જે ખરાબ સંસ્કાર પડી જાય છે, તે મોટપણમાં નુકસાન કરે છે અને બહારનો માણસ ખરાબ છાપ લઈને જાય છે. એ વસ્તુનો સુધાર થવો જોઈએ. જાહેરમાં અંગત ટીકાઓ કરવા કરતાં એકબીજાને રૂબરૂ મળી અગર લવાદ દ્વારા એવા પ્રશ્નોનો નિકાલ લાવવો સાધુતાની પગદંડી