________________
જાહેરસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, વાંકીઓમાં આ પહેલવહેલું જ આવવાનું થાય છે. અને મણિભાઈની ઘણા વખતથી માગણી હતી એ પૂર્ણ થાય છે. ગામડાં તરફ મારું વધારે ધ્યાન છે તે એટલા માટે નહિ કે ગામડાં ગરીબ છે. ગરીબીને આપણાં શાસ્ત્રોએ અમીરી કહી છે. સાચી ગરીબી નીતિની ગરીબી છે. ન્યાય, નીતિ નથી, પ્રમાણિકતા નથી એ ગરીબ છે. એ રીતે ગામડાં ગરીબ નથી. એ લોકો દરેક પ્રસંગોએ ભગવાનને યાદ કરે છે. વાવતાં, લણતાં, વહેવારના કોઈ પણ કામ કરતાં પહેલાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આપણે હમણાં ભજન બોલી ગયા. તેમાં રામનું નામ હતું. રામના નામની સાથે ગુણ આવી જ જાય છે. રામના નામની સાથે આપણને વલ્કલધારી રામ યાદ આવે છે. પોતે દુઃખ વેઠીને પણ બીજાને આનંદ આપે તે રામને યાદ કરીએ છીએ. કોઈને જેલમાં પૂરે, દંડ કરે કે પોતે મોજશોખ કરે એવા રાજારામને આપણે યાદ કરતા નથી. આપણે લક્ષ્મીને યાદ કરીએ છીએ. છેલ્લાં સમયમાં સ્ત્રી અને પતિનો યોગ તૂટી ગયો છે. સ્ત્રીને માત્ર આપણે લક્ષ્મી-કૂકાને ગણી છે. સાચી માતાને છોડી છે. સાચી માતા છૂટે, એટલે નારાયણ તો આવે જ ક્યાંથી ?
માલિકી હક્ક સ્થાપિત કર્યો. ગાયો પોતાની કરી, મિલક્ત પોતાની કરી. સ્ત્રીને એક બજારની વસ્તુ ગણી. સ્ત્રીએ પોતે પણ પોતાની જાતને હલકી માની. પછી તો તેણે પુરુષને રાજી કરવાનો રસ્તો લીધો. ઘરેણાં પહેરે, સારાં વસ્ત્રો પહેરે અને પુરુષની ખુશામત કરે. પણ અંતરમાં તો એક વાત પડેલી હતી કે, પોતાને થતો અન્યાય ગમતો નહોતો. એટલે પ્રત્યાઘાત આવ્યો. નણંદ-ભોજાઈ લડે, સાસુ વહુ લડે, જેઠાણી દેરાણી લડે, પોતાનાથી નબળાં સાથે ટંટો કરે. આનું કારણ પોતાને થતા અન્યાયનું છે.
અંગત માલિકી મનાઈ ગઈ. એનો દુરુપયોગ કોઈ કરે તો પણ કોઈ કહી શકતું નથી. એટલે અંગત માલિકીનો છેદ ઊડાડી સમાજની માલિકી કરવી જોઈએ. જેથી બધા સુખી થાય. આ માટે હું ગામડાં તરફ નજર કરું છું. ત્યાં કંઈક નીતિ પડી છે. જે ભગવાન સૂઈ ગયો છે એને જગાડવાની જરૂર છે. આજ સુધી જે લોકો તેમની પાસે આવ્યા એ ખાવા માટે, લેવા માટે આવ્યાં. કોઈ શિખામણ આપવા આવ્યાં નથી. એટલે કેટલાંક દૂષણો
૧૦૮
સાધુતાની પગદંડી