________________
સંતબાલજીને ગણોતધારાના પ્રશ્નમાં દુભવ્યા છે. તેઓ માફ કરે. પોલીસ પગલાં સંબંધમાં તેઓ કહેવા લાગ્યા કે મહાગુજરાતવાળા ટેમ્પો ચાલુ રાખવા માટે ઉશ્કેરાટ વધે તેવું કરશે. પછી પોલીસને ન ઇચ્છો પણ બીજા કેટલાંય શહેરીજનો દ્વિભાષીમાં માનતા હોય તેમને તોફાનીઓ હેરાન કરે તો પોલીસની ફરજ તેમને રક્ષણ આપવાની છે. એમને ઉપર જવાબ આપવો પડે. તો મહારાજશ્રીને આ બાબત પૂછી લેશો. ડી.એસ.પી.એ પણ જયંતીભાઈ સાથે વાતો કરી. પોતાને ફરજ બજાવવી પડે. જયંતીભાઈ મોટરમાં ન આવી શક્યા. કારણ કે સરઘસને સમય ઘણો ગયો. રોકાણ ખૂબ થયું. એટલે ફોન આવ્યો કે શટલમાં આવીશું. ટુકડીને હેરાન કરાઈ છે વગેરે.
રાત્રે જયંતીભાઈ અને અંબુભાઈ આવ્યા. બધા સમાચાર કહ્યા અને આ સ્થિતિમાં શું કરવું તેને અંગે વિચારણા કરી. કારણ કે તોફાનીઓ હવે વધતા જવાના અને હવા એવી છે કે પોલીસને ગોળીબાર કરવો પડે. તેવી સ્થિતિ સર્જવી, જેથી ટેમ્પો ચાલુ રહે. દરેકે પોતપોતાના અભિપ્રાય કહ્યા, મહારાજશ્રીએ પણ કહ્યું. છેવટે એવું નક્કી થયું કે જ્યાં નાગરિક પોતાનો અવાજ પણ મુક્તપણે ના કાઢી શકે ત્યાં ધર્મ સંસ્થાઓ કેમ બેસી રહે. એટલે સાધુઓએ જાગવું જોઈએ. એ રીતે રામનગરમાં ચાતુર્માસ કરતાં મુનિઓ સરઘસમાં ભાગ લે. તોફાન થાય તો પોતે કહે, તમે આ અઘટિત કરો છો. તેના પ્રાયશ્ચિત તરીકે હું ઉપવાસ કરીશ. અહીં બેસીસ પોલીસ બેસવાનો વાંધો લે તો હઠીભાઈની વાડીમાં બેસવું. બીજી ટુકડીને હેરાનગતિ કરે, આગળ વધતી અટકાવે તો ત્યાં જાહેર થાય કે જ્યાં સુધી ટુકડીને નહિ જવા દેવાય ત્યાં સુધી પ્રતીક તરીકે એક ખેડૂત ત્યાં બેસશે. ઉપવાસ કરશે અને ટુકડી વેરાઈ જઈ કોંગ્રેસ હાઉસ જશે. ફરી બીજે દિવસે બીજી ટુકડી અહીંથી શરૂ થાય અને આગળ વધે અને જયાં અટકાવે ત્યાં એ જ રીતે બેસી જાય. આ પ્રમાણે શુદ્ધિપ્રયોગ શરૂ થાય. પોલીસની જરૂર પડે નહિ, લોકોને ઉશ્કેરાટનું કારણ ન મળે તેવું કરવું.
આજે વાંકાનેરથી મહારાજશ્રીનાં સંસારી બહેનો મણિબહેન, સૂરજબહેન અને વનિતાબહેન દર્શને આવ્યાં. બિયાવરથી ભંબરીલાલ કોચા આવ્યા.
સાધુતાની પગદંડી
૨૮૭