________________ ભાલનળકાંઠા પ્રયોગ શું છે? ભાલનળકાંઠામાં જે પ્રયોગ ચાલે છે તેની ટૂંકી માહિતી મારા જ મુખે આપું. દેશની અંદર જુદાં જુદાં કામો ચાલે છે. હમણાં કહ્યું તેમ ગામડાં અને શહેરનો સમન્વય અને ગામડાં અને દુનિયાનો સમન્વય કેમ થાય અને તે પણ નૈતિક રીતે, તેને માટે મારા મનમાં એક સવાલ છે. કુદરત તરફ જોનારા મોટા ભાગના માનવીઓ ગામડામાંથી જોવા મળે છે. એથી જે કુદરતનિષ્ઠા પ્રેરણા આપી આગેકૂચ કરાવે છે તેવી વસ્તુ ગામડાંમાં હોય તો સમન્વય કરવો છે. તે કામ ગામડાં પૂરાં કરશે, એમ લાગવાથી હું ગામડાં તરફ વધારે ધ્યાન આપું છું. ગ્રામઉદ્યોગ, મજૂરી, પશુપાલકો અને ખેડૂતો આ ત્રણ ગામડાનું અંગ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે તેને માટે ગાય જોઈએ. એટલે એ લક્ષમાં રાખીને ગોપાલક મંડળની વાત કરું છું. માત્ર પૈસા માટે નહિ કે આજીવિકા માટે નહિ, પણ જીવન અને જગતના સમન્વય માટે પ્રેરકબળ તરીકે આવાં મંડળો જોઈએ. આપમાંના ઘણા જાણતા હશો કે નૈતિક ભાવોનો પ્રયોગ એ નવો પ્રયોગ છે. બજારમાં ગમે તે ભાવ હોય પણ નૈતિકભાવે વેચાણ કરવું. એ સામાન્ય વાત નહોતી છતાં એ કામ થયું. બાપુજીની ઈચ્છા કંઈક સર્વોદય મંડળની રચના કરવાની હતી પણ તે સ્વપ્ન અધૂરું રહ્યું. મેં અને રવિશંકર મહારાજે જોયું કે કંટ્રોલથી નીતિ મરી પરવારતી જાય છે. ખેડૂતોને પોતાના ભાવ મળતા નથી એટલે શું કરવું? તેનો પ્રયત્ન થયો. કંટ્રોલ ગયા અને નૈતિકભાવ બંધાયા. આમાંથી આગળ વધતાં લાગ્યું કે ગામડાનું નિયોજન કરવું હોય તો આર્થિક બાબતમાં સ્વાવલંબી થવું જોઈએ. તેમાંથી ફરજિયાત બચતનો સિદ્ધાંત આવ્યો, એ બચતથી ચમત્કારિક ફાયદો થયો. ખેડૂત પાયમાલ થતો ગયો તેમાંથી આ રીતે રસ્તો કાઢ્યો. બીજો સવાલ આવ્યો પૈસા વધ્યા તેની સાથે અનિષ્ટ પણ વધવા લાગ્યું. ટંટા વધ્યા, જમીનોના પ્રશ્ન આવ્યા. તેમાંથી લવાદોનો સિદ્ધાંત આવ્યો. નીતિ દરેકને ગમે છે પણ તેમને તક મળતી નથી તે તક ઊભી કરી. જ્યાં અનૈતિક તત્ત્વો વધવા લાગ્યાં, પોલીસ બળથી સિદ્ધાંત ન જળવાઈ શકે, ધ્રુવ કાંટો હાથ ઉપાડો તો હતો ત્યાંનો ત્યાં એટલે અમે એવાં તત્ત્વો સામે શુદ્ધિપ્રયોગનું શસ્ત્ર વાપર્યું. સહકારી મંડળીમાં પૈસા ના ભરાય તો પણ શુદ્ધિપ્રયોગ થાય. આની ભારે સફળતા અમને મળી છે. (અમદાવાદના મજૂર મહાજન સંઘમાં આપેલ વ્યાખ્યાનમાંથી) મુદ્રક : વિપુલ પ્રિન્ટર્સ, 14, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ. ટે.નં. : 5622462