________________
તા. ૧-૧૦-૧૯૫૬ :
સવારમાં જયંતીભાઈ અને અંબુભાઈ શટલમાં આગળથી ગયા. એમ વિચાર્યું કે રામનગરવાળા મુનિઓ એક નિવેદન કરે અને ગઈકાલના પ્રસંગ પૂરતું દુ:ખ વ્યક્ત કરવા ત્રણ દિવસના ઉપવાસ કરે. હમણાં ટુકડીઓમાં ન જવું. પોલીસ અધિકારી અને ઠાકોરભાઈને પણ મળી લેવું, એમ વિચાર્યું.
આજે ખડોલની ૧૨ જણની ટુકડી રવાના થઈ. પુરુષોત્તમ પટેલે સરદારી લઈને ઝંડો લીધો હતો. આજે તો થેલી, નાણા એકત્ર કરી એક ઠેકાણે મુકાવી દીધું. સૌએ કપડાં વગેરે મજબૂત કરી લીધો. કછોટા મારી લીધા. હું ગાડી ઉપર વિદાય આપવા ગયો હતો.
ચંપકભાઈએ કોલથી સમાચાર પુછાવ્યા. તે કોંગ્રેસ હાઉસથી જવાબ મળ્યો કે આજે બિલકુલ શાંતિ રહી છે. એકપણ પોકાર કરનારો આવ્યો નથી. સરઘસ સહીસલામત કોંગ્રેસ હાઉસ આવી ગયું છે.
આજે પોલીસ બંદોબસ્ત ઘણો હતો. પોલીસનો ઇરાદો એવો હશે કે એકપણ માણસ તોફાનની શરૂઆત કરે તો ધરપકડ કરી લેવી. પણ આજે કોઈ જ આવ્યું નહોતું. આ ઉપરથી અનુમાન થાય છે કે તોફાનો વ્યવસ્થિત અને યોજના બદ્ધ કરતા હશે.
જયંતીભાઈ રાત્રે આવ્યા. તેમણે ટુકડીના બધા સમાચાર આપ્યા. ગઈકાલના તોફાનોનો શહેરમાં સારો પડઘો પડ્યો છે. લોકો તોફાનોને વખોડી કાઢતા હતા. નાનચંદ્રજી મહારાજે પણ આજના તેમના પ્રવચનમાં તોફાનીઓને ખૂબ ઝાટક્યા હતાં. તેમણે કહ્યું કે આ કઈ જાતની રીત. કોઈ જંગલી માણસ પણ આવું વર્તન ના કરી શકે અને ખેડૂતોની અહિંસક હિંમતના વખાણ કર્યા. કોઈ જૈન એવો નથી નીકળ્યો કે આવા તોફાનો વચ્ચે જાય અને છતાં અહિંસક રીતે સહન કરે. જે ખેડૂતો શ્રદ્ધાથી કરી રહ્યા છે.
જે ભરવાડને છૂટો પાડી મારવામાં આવ્યો હતો તે અને ટુકડીના બીજા બે ભાઈઓ બપોરે મહારાજશ્રીને મળવા આવ્યા. બધી વિગત કહી અને છેવટે શહેરનો કોઈ બુદ્ધિશાળી માણસ શ્રદ્ધા ના રાખી શકે તેવી શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું, બાપુ આપના પ્રતાપે બધું જ સારું થયું. એક ભાઈ મળ્યા, માનભેર કરીને જમાડ્યો અને ઠેકાણે પહોંચાડ્યો. આપની દયા હોય ત્યાં કંઈ જ ના બને. બહુ હિંમત બતાવતા હતા. ૨૮૮
સાધુતાની પગદંડી