________________
ભારતને એ સ્થિતિમાંથી બચવું હોય તો “લાઠી તેની ભેંસ નહિ થવા દેવી જોઈએ.” શાંતિથી ગમે તેટલી વાતો કરીએ પણ તેનો પાયો શુદ્ધ નહિ હશે તો કદી શાંતિ થવાની નથી. એ પાયો રાખવો હોય તો શું શું સ્થિતિ કરવી જોઈએ. કયો પાયો રાખવો, તે બધું વિચારવું પડશે. વિશ્વામિત્ર રાક્ષસી તત્ત્વોને દૂર કરવા દશરથ પાસે ગયા. સાધુઓ સૈન્ય માગતા નથી, પણ રામ, લક્ષ્મણની માગણી કરે છે. આનું કારણ એ છે કે રામ, લક્ષ્મણ નાના ભલે હતા. પણ નૈતિક બળ તેમની પાસે હતું. ઋષિ મુનિઓ પાસે એ બળ નહોતું એમ નહિ પણ સમાજમાં યોગ્ય વ્યક્તિઓના હાથમાં દંડશક્તિ જરૂરી છે. તે બતાવી આપવાનું હતું. આપણે એ પણ જોઈએ છીએ કે ધનુર્વિદ્યા શીખવે બ્રાહ્મણ અને વાપરે ક્ષત્રિય. ગુરુ બ્રાહ્મણ હોય અને ક્ષત્રિય ચેલો હોય. મતલબ કે દંડશક્તિ ઉપર નૈતિક નિયંત્રણ રહેવું જોઈએ. તો જ દંડશક્તિ યોગ્ય રીતે વપરાય. આજે આપણે કાં તો દંડશક્તિનો ઇન્કાર કરીએ છીએ, કાં તો સર્વ મુદ્દા દંડશક્તિને શરણે સોંપી દઈએ છીએ. આ બંને વસ્તુ બરાબર નથી. બંનેનું યોગ્ય સંશોધન થવું જોઈએ. સંસ્થા દ્વારા અહિંસક રીતે લડવું એ સંસ્થા કોંગ્રેસી છે અને હતી. પણ એમાં સંશોધન કરવાની જરૂર છે.
મંથરાને જે વિચાર આવ્યો તેમાં બીજાં તત્ત્વ નિમિત્ત હતાં. આજે જે સ્થિતિ છે તેમાં આપણો ફાળો ઓછો નથી. ૪૨ની લડતમાં જેટલાં અશુદ્ધ સાધનો વપરાયા એટલે આજે આપણને સાલે છે. ક્યાં મળવું અને ક્યાં લડવું એ નહિ વિચારીએ અને માત્ર આંધળિયાં કર્યા કરીશું તો નવી પ્રગતિ કરી શકવાના નથી. પાણીનો પ્રવાહ એકદમ ધસી આવી રહ્યો છે. પણ આપણે ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં મસ્ત છીએ. પેલા પંખીઓ આગ ચાલી આવે છે છતાં કિલ્લોલ કરે છે. એટલે આગ તેમને ભરખી જાય છે. આપણે પણ એ પ્રલયપૂરથી બચવા પ્રયત્ન કરીએ. ગાંધીજીએ કેવો સુંદર રસ્તો બતાવ્યો છે. એક બાજુથી પોલીસને બોલાવીએ છીએ બીજી બાજુથી ગોળીબારનો વિરોધ કરીએ છીએ. જો આમ કરીશું તો સમાજ ચાલવાનો નથી. આ બધું બહુ લાંબી દષ્ટિએ વિચારવું જોઈએ અને સક્રિય ઉપાય કરવો જોઈએ.
સાધુતાની પગદંડી.
૨૯૭