________________
તા. ૯, ૧૦-૪-૧૯૫૬ : જાળિલા
સુંદરીયાણાથી નીકળી જાળિલા આવ્યા. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. કોઈ સામે આવ્યા નહોતા.
ભીમજીભાઈ અને નાનચંદભાઈ અહીં આવ્યા હતા. અહીં ગામલોકોને વાડાની મુખ્ય મુશ્કેલી છે. લિંબડી સ્ટેટ વખતના ઘરમાલિકોના વાડા છે. પણ તે વખતે નકશા નહોતા, હવે સરકાર સાબિતી માગે છે કાં તો હરાજી કરી તેમાંથી રાખવા કહે છે. આ અંગે તલાટીએ ઘણી લાંચો લીધી છે એવી
વાતો સાંભળવામાં આવી.
હું (મણિભાઈ) નાનચંદભાઈ સાથે તલાટીને મળ્યો. તેમણે વાત કબૂલ કરી. કેટલીક અતિશયોક્તિ પણ હતી. તલાટીને બોલાવ્યા. તેમણે કહ્યું કે તમારી નોકરી ખોવડાવવી નથી, તેમ તમારી બેઆબરુ પણ કરવી નથી. પણ તમારે ભૂલ કબૂલ કરવી જોઈએ અને ફરીથી આવું ન કરવાનું નક્કી કરવું જોઈએ. તેઓ સાવ ઢીલા પડી ગયા હતા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને મારી ગરીબ બ્રાહ્મણની નોકરી ન જાય તે માટે આજીજી કરી. પછી પંચ રૂબરૂ તેમને બોલાવ્યા. ભૂલ કબૂલી અને તે જ ક્ષણે સાત જણના સાત મણ ઘઉં લીધેલા તેના ૫૬ રૂ. અને એક જણનો દસ્તાવેજ નોંધવાના ૨૦ લીધેલા તે પંચને સુપરત કર્યા. પંચે જે તે ધણીને પાછા આપ્યા.
વાડાઓ તેમના માલિકોને યોગ્ય તપાસ કરી, યોગ્ય કિંમત લઈ તેમને આપવા. હરાજી કરવાથી શ્રીમંતો જ ફાવે છે. એમ સમજણ આપી. તા. ૧૨-૪-૧૯૫૬ : ખાંભડા
ગોધાવટીથી નીકળી ખાંભડા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ. અહીં કણબી અને કાઠીને જૂનો ખટરાગ ચાલે છે. કાઠીઓ રાજાશાહી જમાનાને ભૂલતા નથી. એટલે ધાક-ધમકી અને દાદાગીરી કરતા હોય છે. જ્યારે કણબીઓમાં સંપ નથી. અને નૈતિક હિંમત નથી એટલે ડરાવે છે.
ખેડૂતમંડળના કાર્યકરોને એક કાઠીએ ધોલ મારેલી. તેનો શુદ્ધિપ્રયોગ થયો અને માફી માગી હતી. મહારાજશ્રીએ અને નાનચંદભાઈએ આ પ્રશ્ન વિશે ઠીક ઠીક ગામને કહ્યું હતું.
૨૩૪
સાધુતાની પગદંડી