________________
નક્કી થયું. તેની પત્રિકા બહાર પાડવી.
સાંજના મામલતદાર સાહેબ મળવા આવ્યા હતા.
તા. ૨૩-૭-૧૯૫૬ :
આજે સાંજના અંબુભાઈ અને છોટુભાઈ આવ્યા. અંબુભાઈ ગુજરાત ભૂદાન સમિતિની બેઠકમાં હાજરી આપીને આવ્યા હતા. તેમણે ત્યાંની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. અંબુભાઈને ગણોતધારા અંગે બોલવાનું હતું. એમણે ગણોતધારો પાણીપત્રકમાં નામ નથી તે અને શુદ્ધિપ્રયોગ આ ત્રણેય વાતો ખૂબ સુંદર રીતે રજૂ કરી. સરકારના ગમે તેટલા સારા કાયદા હોય, તોપણ એની મર્યાદા રહેવાની. ગણોતિયામાં હિંમત નથી. ગામ મદદ કરતું નથી. અને કાયદો જમીનદારની પડખે છે. આવી સ્થિતિમાં શું કરવું. પછી સારંગપુરના શુદ્ધિપ્રયોગની વાતો કરી. તેમણે કહ્યું કે અમારો પ્રયોગ પૂર્ણ છે એમ અમારું કહેવાનું નથી. પણ તમો બીજો કોઈ રસ્તો હોય તો બતાવો. સભામાં બહુ સારી અસર પડી. એટલે જુગતરામ દવે બોલવા ઊભા થયા. તેમણે અંબુભાઈની વાતને પૂરો ટેકો આપ્યો. અને કહ્યું કે તેમની વાત સાચી છે. કંઈક કરવું જોઈએ. એમ તો સૌને થાય છે. પણ કરતા નથી. એટલે આ લોકો કરે છે તેમને આપણે પૂરો ટેકો આપવો જોઈએ અને ઠરાવ કરવો જોઈએ. દાદા સાથે પણ વાતો થઈ. એમણે વાત તો ગમે છે પણ ઉપવાસની વાત હજુ ગળે ઉતરતી નથી. વિનુભાઈ શાહે પણ ઉપવાસ એ એક જાતનું દબાણ છે. પૂર્ણ અહિંસા નથી. એમ જણાવ્યું. એ લોકો શુદ્ધિપ્રયોગને ટેકો આપતો ઠરાવ કરવાના હતા. પણ ગમે તે કારણે ન કર્યો. વજુભાઈએ કહ્યું આટલી બધી હકીકતનો તો મને ખ્યાલ જ નથી. છાપા જોયાં નથી. તમારે એમના ભક્તો નંદાજી, ભક્તિબા વગેરેને લખવું જોઈએ. અંબુભાઈએ કહ્યું, તમારી વાત સાચી છે. પણ અમારો આદર્શ જનશક્તિ જગાડવાનો છે. વજુભાઈ તત્ત્વ સમજી ગયા. બાકી સામાન્ય ખ્યાલ આપવામાં વાંધો નથી.
ભૂદાન સમિતિએ પોતાના બે પ્રતિનિધિઓને સારંગપુર મોકલવાનો વિચાર કર્યો છે. નારાયણભાઈ દેસાઈ અને સૂર્યકાંત પરીખ જશે. કદાચ બબલભાઈ પણ જાય. ત્યાંથી તા. ૧ લી નાશુદ્ધિપ્રયોગ વખતે ઉમરગઢ પણ એ ભાઈઓ જશે.
૨૬૪
સાધુતાની પગદંડી