________________
હમણાં અહીં દ્વિભાષી અંગે જુદાં જુદાં બળો, સભા, સરઘસ, તોફાનો, આગ લગાડવી વગેરે પ્રવૃત્તિઓ કરે છે. કાર્યકરો અને મહારાજશ્રી અહિંસક રીતે તેનો સામનો અને માર્ગદર્શન આપે છે. બીજી બાજુ શુદ્ધિપ્રયોગનું આંદોલન ચાલે છે.
છાપામાં સમાચાર આવ્યા કે નાયબ પ્રધાન બાબુભાઈ જશભાઈના નડિયાદના બંગલે ત્રણ હજારનું ટોળું ગયું. બંગલાને આગ ચાંપી. અને એમના ૧૯ વરસના છોકરાંને ત્રીજે માળેથી ફેંકી દીધો. છોકરો બેભાન છે. કદાચ મૃત્યુ પામ્યો હશે તેમના બે ભાઈઓને પથ્થરમારાથી ગંભીર ઇજા થઈ છે. અને તેમની મોટર બાળી નાખી છે. આવા બધાં કારણોને લીધે મહારાજશ્રીએ ઉપવાસ કર્યો હતો. બાબુભાઈને દિલસોજીનો પત્ર લખ્યો. તા. ૧૬-૮-૧૯૫૬ :
આજે કેટલાક કોલેજિયનો અને વિદ્યાર્થીઓ મહાગુજરાત અને ગોળીબાર તથા દ્વિભાષી રાજ રચના અંગે સમજવા માટે આવ્યા હતા. મહારાજશ્રીએ કહ્યું. મેં પ્રથમથી ભાષાવાર પ્રાંત કમિશને જે દ્વિભાષી પસંદ કર્યું હતું. ત્યાંથી માંડીને આજ સુધીનો ઇતિહાસ વર્ણવી બતાવ્યો. આજની પરિસ્થિતિમાં દ્વિભાષી રાજ્ય જ સારે છે. એનાથી મુંબઈની સલામતી રહે છે. મહારાષ્ટ્રમાં કોમવાદ અને સામ્યવાદ પ્રસરતો અટકે છે. અને ગુજરાત યંત્રવાદી, મૂડીવાદી ના હાથમાંથી બચી જાય છે. વળી દેશને એકતાની ભાવના પૂરી પાડે છે. આપણે પ્રાંતીયતાની ભાવના પોસીશું તો કોઈ ને કોઈ પ્રશ્નો એવા ઊભા થવાના કે અંદરોઅંદર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત ઝઘડી મરશે એટલે એ પાયો જ ખોટો છે. પછી ગોળીબાર વિશે પોતાનું મંતવ્ય જણાવતાં કહ્યું કે ગોળીબારથી કોને આનંદ થાય ? એમાં નિર્દોષ માણસોનાં મરણ થાય, એનું ભારે દુઃખ થાય છે. પણ હું હંમેશાં મૂળ જોઉં છું. તોફાન કરવા પ્રેરનારા કોણ છે. એની પ્રથમ શોધ થવી જોઈએ. પછી તોફાનોને અટકાવવા નૈતિક, ધાર્મિક બળોએ વચમાં જઈ હોમાવું જોઈએ. પછી રચનાત્મક કાર્યકરો અને પછી કોંગ્રેસીઓ વચ્ચે ઊભા રહેવું જોઈએ. પણ એ થતું નથી. અને માત્ર ગોળીબારનો વિરોધ કરી મોઢે મીઠું મનાવવું તેથી તો ભૂલો બેવડાય છે. પોલીસને રક્ષણની જવાબદારી સોંપી અને હિંસક હથિયાર આપ્યું પછી એ બીજું કરે શું ? આવી ઘણી વાતો કરી.
૨૭૨
સાધુતાની પગદંડી