________________
નાખ્યા છે. રાત્રે ત્યાં જ સૂઈ રહે છે. અને વીરડામાં એક કુટુંબને પૂરું થાય એટલું માંડ પાણી છે.
મહારાજશ્રીના પ્રયત્નથી અહીં સુંદર તળાવ બંધાયું છે. પાળ ઉપરનાં વૃક્ષો મોટાં થયાં છે.
કમાલપુરથી જી. જી. ત્યાં પધારવા આગ્રહ કરી ગયા. પણ અમારો કાર્યક્રમ નક્કી હોઈ ત્યાં જવાનું માંડી વાળ્યું.
કમાલપુરમાં એક વિધવા બાઈને જમીનદારે કાઢી મૂકી છે. એ પ્રશ્ન મહારાજશ્રી પાસે આવ્યો. તે ઉપરથી ત્યાંના આગેવાનો સગરામજીભાઈ, તુપવાભાઈ અને જમીનવાળા નાથાભાઈને બોલાવ્યા. બે જણા આવ્યા. એમણે કહ્યું કે જમીન ઉપર બાઈનો કોઈ હક્ક નથી. તેણે એફિડેવીટ માલિકને કરી આપી છે. છતાં ગામ લોકોએ જમીનદારને કહીને આજસુધી તેને ખેડવા આપી છે. હવે હમણાં સ૨કા૨ને પટ, બાઈ ભરી આવી. એટલે જમીનદારે મનાઈ હુકમ મૂકી બાઈને ખેડતી અટકાવી છે. હવે બાઈને જમીન બિલકુલ આપવી નથી. પણ આપ કહો તો પાંચ વરસ, ખેડી ખાય એવું કરી આપીએ. તે પટ પાછા મંગાવી લે. મહારાજશ્રીએ કહ્યું, મારાથી એમ ન કહી શકાય. બાઈ વર્ષોથી જમીન ખેડતી હતી. ઘરખેડધારા પ્રમાણે તેને અડધી જમીન કાયદેસર મળવી જોઈએ. છતાં બીકથી ધાક-ધમકીથી તમને લખી આપે, તોપણ ન્યાય એને અડધી જમીન આપવામાં છે. એક પંચ નીમો. એનો ફેંસલો બંને પક્ષ પાળે. જોકે આ વાત ગરાસદારોને ગળે ઊતરી નથી. મહારાજશ્રીએ જીજીને કહ્યું, તમે જમીનદારના પક્ષમાંથી હઠી જાઓ. કારણ કે તમારે આ બાઈને મદદ કરવી જોઈતી હતી. તેને બદલે જમીનદારના પક્ષમાં ઊભા રહ્યા. જમીનદાર ગરીબ છે તો બાઈ એથી વધુ ગરીબ છે. ધોળીવાળાને મદદ કરવા કહ્યું છે.
આ ગામમાંથી કાળુભાઈ પટેલ જે આગેવાન છે તે પ્રથમથી જ મહારાજશ્રીના કાર્યમાં સાથ આપતા હતા. એમનું થોડા વખત પહેલાં જ મહારાજશ્રીની હાજરીમાં ગૂંદી આશ્રમમાં ખૂન થયેલું.
તા. ૧-૬-૧૯૫૬ : હડાળા
ધોળીથી નીકળી હડાળા આવ્યા. અંતર સાડાપાંચ માઈલ હશે. ઉતારો પ્રેમજીભાઈની મેડી ઉપર રાખ્યો હતો. આગેવાનોએ સ્વાગત કર્યું. પવનના
સાધુતાની પગદંડી
૨૪૧