________________
માનવતાના, માનવજાતના ભેદભાવ દૂર કરીને એકતાનો દીપ જગાવવો જોઈએ.
પ્રવચન બાદ લાલાકાકાને તેમને ઘેર મળવા ગયા હતા. તેમની તબિયત નરમ હતી એટલે ઘેર ગયા. અર્જુનવાલા તથા કુટુંબીજનો હાજર હતા. ખૂબ પ્રેમથી વાતો થઈ. મહારાજશ્રીએ ગણોતધારા બિલ અને આજની કોંગ્રેસની પરિસ્થિતિ અંગે પણ વાતો કરી હતી. તેમને ત્યાંથી દીક્ષા લઈને નિવાસે આવી ગયા હતા.
બપોરના ૩-૦ થી ૪-૦૦ જ્યોતિસંઘમાં પ્રવચન રાખ્યું હતું. આ પ્રસંગે કેટલાંક સાધ્વીજી આગળથી હાજર રહ્યાં હતાં. શરૂઆતમાં શ્રી ચારુમતીબહેને મહારાજશ્રીના રચનાત્મક કાર્યનો ખ્યાલ આપ્યો હતો અને સ્ત્રીઓના પ્રશ્નમાં મહારાજશ્રી જે રસ લઈ રહ્યા છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
મહારાજશ્રીનું પ્રવચન જ્યોતિસંઘ સંસ્થા મારાથી અજાણી નથી. બહેનોના પ્રશ્નો એ ખરેખર તો આપણા સમાજના પ્રશ્નો છે. સમાજના બે અંગ છે સ્ત્રી અને પુરુષ. એ બંનેનાં શરીર જુદાં હોવાને કારણે કેટલીક પ્રાકૃતિક બક્ષિસો જુદી હોવાને કારણે તેઓમાં જેમ એકતા છે તેમ જુદાઈ પણ છે. એ જુદાઈ એકતાને વધારે સંગીન બનાવવા માટે છે. સંગીતમાં જોઈએ છીએ કે બધા સ્વર પોતાનું અલગ અસ્તિત્વ સાચવે છે. ત્યારે એના રસનો અનુભવ થાય છે. તેમ સ્ત્રી અને પુરુષ એક જ પ્રકૃત્તિ મૈયાનાં અંગો છે. પણ બંનેમાં ક્ષતિઓ અને ગુણો છે. એ ક્ષતિઓનો ભાગાકાર અને બાદબાકી થાય તો સંસાર સ્વર્ગ બને એટલા માટે જ અર્ધનારી નટેશ્વર, પાર્વતી-પરમેશ્વરો, સીતારામ, રાધાકૃષ્ણ એમ એકરૂપ શબ્દ બન્યો છે. સ્ત્રીને મહત્ત્વ આપ્યું પણ આપણા દુર્ભાગ્ય કહો, કે મોહમાયાનાં આવરણ પ્રકૃતિ મૈયા ઉપર સવાર થઈ બેઠાં છે. એક પોતાને માલિક માને છે, એક પોતાને ગુલામ માને છે. પણ જો બંને સહભાગી છે, સહકારી છે એમ માને તો જગતના બધા ઝંઝાવાત ઓસરી જાય. બાપુએ આ યુગની અંદર સ્ત્રીનું સ્થાન ક્યાં છે તે કસ્તૂરબા સાથેના વર્તાવથી બતાવી આપ્યું. એમણે ત્યાં સુધી કહ્યું કે હું કસ્તૂરબાનો શિક્ષક હતો. પણ કેટલીક બાબતોમાં તે મારી ગુરુ હતી. ૧૭૮
સાધુતાની પગદંડી