________________
ભંગી ભાઈઓ તરફ પણ પ્રેમભાવે વર્તો. ભગવાને શરીર સૌને સરખાં આપ્યાં છે. વાલ્મિકી કોણ હતા ? રઈદાસ કોણ હતા ? દરેકનો આત્મા છે. ઉચ્ચતા છે. સગવડ ના હોય તો કપડાં ના ધોઈ શકે. આખો દિવસ મજૂરી કરતો હોય તો મેલો-ઘેલો રહે. તેથી સુગાળવા ના થશો. તમે વ્યસનો ના કરશો. સ્ત્રીઓને માન આપજો. ટીંચરનો રોગ વધી ગયો છે તે તમારામાં ન પેસે તેની કાળજી રાખજો. બધાંએ ભેગા મળીને જીવવાનું છે અને દેશને આગળ લઈ જવાનો છે. તમે મુડદાલ ન છોડ્યું હોય તો છોડજો. આ વસ્તુ કોઈના કહેવાથી નહિ પણ દિલથી કરજો. ગામના લોકો જે આવ્યા છે તેઓ પણ પોતાની ફરજ સમજે.
અહીંના બધા હરિજનો ખેતી કરે છે. ગાંગડ સ્ટેટની જમીન છે. એટલે સુખી છે,
અહીંથી નીકળી ભંગીવાસમાં આવ્યા. નાના-મોટા સૌએ સ્વાગત કર્યું. અહીંયાં ૨૩ એકર જમીન ભૂદાનમાં આપવામાં આવી છે. ઉપરાંત સરકારી જમીન જે ગામ લોકો ખેડતા હતા તે પણ આપવામાં આવી છે. બે બળદ રાખીને બધાં ભેગી ખેતી કરે છે. એક ગાય રાખી છે તે પણ વારાફરતી દોહી લે છે.
અહીંથી નીકળી વાઘરીવાસમાં આવ્યા. તેમણે સ્વાગત કર્યું. મંડપ બાંધ્યો હતો. મહારાજશ્રીએ કહ્યું, તમે બધા આનંદથી સાથે બેસી શકો છો. નહિ તો એમ થાય કે માતાજી અભડાઈ જાય. માતાજી અભડાતાં નથી. મન અભડાઈ જાય છે. મન ચંગા તો કથરોટમેં ગંગા. તમે એ રીતે હરિજનો સાથે એકત્ર મળ્યા છો તેથી સંતોષ થાય છે.
જમીનનો પ્રશ્ન અઘરો છે. જમીન વધવાની નથી. માણસો વધ્યાં કરે છે. ઘરડા બધો વિચાર કરતા હતા. સંયમ પાળતા, અમુક જાતનો ત્યાગ કરતા હતા. હવે એ બધું ભૂલી ગયા છે. જે વાઘરી ભાઈઓ પાસે જમીન છે તેઓ પોતાની ઓછી કરતા નથી. ભાઈઓને આપતા નથી અને બીજા પાસે આશા રાખે છે. પોતે જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી બીજા પાસે માગવાનો અધિકાર પ્રાપ્ત થઈ શકતો નથી. વાવીએ તો જ ઊગે છે.
વાઘરી નામ ઉપર કલંક હતું. વાઘરી એટલે ચોર, શિકારી, વધ કરનાર, પાટલા ઘો મારનારો, હવે આપણે વાઘના દુશમન બનવાનું છે. સ્વાર્થ, સાધુતાની પગદંડી
૧૯૯