________________
લાલચ રૂપી વાઘને મારવાનો છે. તમારા સંમેલન થાય એ સારું છે. પણ તે ચોરનું ના બને, શાહુકારનું બને. ચોરી ચપાટી થાય તો પકડી આપવી. આમ જો થશે તો સમાજની નજર તમારા તરફ જશે. હલકા કોણ છે જેના ગુણ ઊંચા તે ઊંચા. તમારી બહેનો છે તેને તરછોડશો નહિ. કેટલીકવાર એક ઉપર બીજી કરો છો. છૂટાછેડા કરો છો. ચૌદશિયા પૈસા ખાય છે. અને લાકડે માંકડું જોડી આપે છે. એટલે એવા આગેવાનોને બદલવા પડશે. ચા, બીડી ઓછી કરજો. ખર્ચો ઓછો થશે તો પાપ ઘટશે. જમીન વિશે તો તમે બધાં ભેગા મળીને જીવશો તો ભલું થસે. વધારે જમીન માટે તો પ્રયત્ન કરીએ છીએ. ગણોતધારા સામે શુદ્ધિપ્રયોગ એટલા માટે છે કે તમો બધા એમાં રસ લેજો. અને ભાગ પણ આપજો. ભાગ એ કે લડતમાં કેટલાક જમીન છોડી દે, તો એ જમીન સરકાર કહે તમે ખેડો. તો તમારે ઈન્કાર કરવો પડશે. જેથી ધ્યાન આપીને સારી રીતે કરવો પડશે. મહેનત મજૂરી કરવી પડશે. દોષો દૂર કરજો. આપણે સૌ માતાના સંતાન છીએ. માતા બોકડો માગતી નથી. એ તો મનનો બોકડો માગે છે. મન જ્યાં ત્યાં ભટકે છે એને વશમાં રાખીએ. ભૂવા પણ વિચારે કે માતાને સુખડી આપો તો વાંધો નથી. પણ જીવ નહિ વધેરવો જોઈએ. - રાત્રે અંબુભાઈ આવ્યા. તેમણે ગણોતધારા અંગે વિકાસ મંડળની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. તા. ૨૭-૧-૧૯૫૬ : ચીયાડા
કોરિયાથી ચીયાડા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. વચમાં મંદિરના મહારાજની વિનંતીથી કેરાળામાં થોડું રોકાયા હતા.
બપોરના અઢી વાગ્યે લોકલબોર્ડની ધર્મશાળામાં ખેડૂતોની પરિષદ ભરાઈ. નવગામના લોકો આવ્યા હતા. જયંતીભાઈ, હરિભાઈ વગેરે કાર્યકરો આગળથી આવી ગયા હતા. હરિજનોની હાજરી સભામાં સારી હતી. ગામડાંના સંગઠન માટે અને વધારે જમીનવાળાએ જમીન ફાજલ પાડવા અંગે કહેવામાં આવ્યું. તા. ૨૮-૧-૧૫૬ : ગાંગડ
ચીયાડાથી નીકળી ગાંગડ આવ્યા. અંતર સાડાસાત માઈલ હશે. ઉતારો ગતસંગજીભાઈને ત્યાં રાખ્યો હતો.
૨૦૦
સાધુતાની પગદંડી