________________
છે. આપણે મન ગોવિંદ એ મથુરાના રાજા નથી. પણ ગોકુળવાળા ગોવિંદ છે. તેમની વાંસળીમાં પ્રેમનું અમૃત રહેલું છે. પાવા તો ઘણા વગાડે છે. પણ અંતરના ઊંડાણથી જે ભાવ નીકળે છે તેના નાદમાં એ તરબોળ થાય છે. એવા નાદવાળા ગોવિંદને અમે યાદ કરીએ છીએ.
ગોકુળમાંથી મથુરા ગયા કે દ્વારકા ગયા. સુદામા જેવા ભિક્ષુકના પગ પખાળે છે. હૈયા સાથે હૈયું ચાંપે છે. એટલે આ દેશનો આદર્શ મોટા રાજામહારાજ નથી, વિકાસ કે રંગરાગ નથી. પણ સૌના હૃદયને અપીલ કરે એવો નિર્વાજ, નિઃસ્વાર્થ પ્રેમ છે. આવો પ્રેમ તો જ મળી શકે કે જો હૈયામાં ત્યાગ આવે.
તમારો ઉત્સાહ જોઈને એક વાત કહેવાનું મન થાય છે કે, આપણા ગામડાઓ ગોકુળિયાં કેમ બને ? એને માટે મોહબત કે પ્રેમની જરૂર છે. પણ પ્રેમ કોઈ દુકાને વેચાતો મળતો નથી. હીરા, સોનુ-રૂપું મળશે. પણ મીરાંએ કહ્યું કે તારા હીરલા માણેકને રાણા શું કરું ? એ હીરામાં મારો રામ નથી. આપણને કયા રામ જોઈએ છીએ. હીરાવાળા રામ જોઈએ છે કે ત્યાગ અને પ્રેમની ભાવનાવાળા રામ જોઈએ છે? પૈસા કોઈ ખાવાના કામમાં આવતા નથી. ખાવાના કામમાં દાણા આવે છે. ઘી, દૂધ ખવાય છે, પણ આજે આપણે ગણિત ઊલટું કર્યું છે. ખેડૂત અને ગોવાળ પણ પૈસાને મહત્ત્વના ગણે છે. ત્યારે મન જડ થઈ જાય છે. કજિયા કરીએ ત્યારે ભગવાન વકીલ થઈ જાય છે. બીમાર પડીએ ત્યારે ભગવાન ડૉક્ટર બની જાય છે. માલ પાકે ત્યારે માણસ વ્યસની બને છે. રણછોડ એટલે ઋણ છોડાવનાર. એ ઋણ કયું? મનુષ્ય કુળમાં જન્મીને કેટલાં સારાં કામ કર્યા એ વિચારવું જોઈએ.
સ્વરાજય આવ્યું, સાત વરસ થયાં, છતાં સુખ મળતું નથી. સુખ મેળવવું એ આપણા હાથની વાત છે. માણસ એકલો સુખ મેળવવા મથે તો નહિ મળી શકે. બીજાનું ભલું કરે તો પોતાનું ભલું થાય. આ માટે આપણે ગ્રામસંગઠનની વાત કરીએ છીએ. પંચાયત આવે, સહકારી મંડળી આવે. તોપણ ફાયદો થતો નથી તેનો સાથે મળીને વિચાર કરીએ.
૧૧૦
સાધુતાની પગદંડી