________________
લેવાં પડશે. એક કાળ એવો હતો કે બ્રિટિશરોની સામે લડવાનું હતું. હવેનો કાળ આપણે આપણા સાથીઓ સાથે લડવાનો છે. આ બધાં મૂલ્યો ચાલી શકે તેમ નથી. એટલે હું જેને શુદ્ધિપ્રયોગ કર્યું છે તેવા પ્રયોગ રાજ્ય અને સમાજ સામે કરવા પડશે. એ કઈ રીતે કરવા ? અહિંસામાં પોતાની જાત ઉપર વેઠવું પડે છે. જે સાથીઓના દિલમાં ઊતરતું નથી. તેમને માટે પ્રાર્થના કરીએ. સમાજને ચેતવીએ આ વસ્તુ આસાન નથી. પણ જ્યારે કોઈ નવી વાત આવે ત્યારે આપણું મન ના પાડે છે. દા.ત., સરકાર સામે પગલું લેવાનું આવે, ત્યારે ઘણાને થાય છે લોકશાહી સરકાર છે ધારાસભાથી કાયદા થાય તેની સામે પગલું કેમ લઈ શકાય ? લોકશાહીમાં ધારાઓ, પ્રજાને ઊંચે લઈ જનારા હોવા જોઈએ. જો નીચે લઈ જનારા ધારા થતા હોય તો આપણે અહિંસક રીતે તેમને જગાડવા જોઈએ.
રચનાત્મક અને રાજકારણ એક રાખવાં હોય, અધ્યાત્મનો પુટ આપીને રાજ્ય ચલાવવું હોય તો આવા આંચકા આપવા જ પડશે. એ વિશે હજુ વિચારીશું. પણ એક વાર એના તરફ વિચારતા થઈએ તો પછી નવો પ્રકાશ મળશે. પણ ઈન્કાર જ કરીશું તો પછી કોઈ દિવસ ઉદ્ધાર થઈ શકશે નહિ. અંબરચરખા એમ જ શોધાયા છે. ગાંધીજીએ આપણને આ જ દિશા બતાવી છે. તેઓ હંમેશાં સત્ય અને અહિંસાના પ્રયોગો કરતા રહ્યા. જે વ્યક્તિને વિશે સાચું છે તે સમાજને વિશે પણ એટલું જ સાચું છે. આશ્રમવાસીઓએ આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે તેમની પાસે સુંદર વારસો છે. દેશને દોરવણી આપવા આગળ આવવું પડશે. ભગવાન આપણને સહનશીલ બનાવે અને સમાજનું કલ્યાણ કરવા બળ આપે. તા. ૧૧-૧-૧૯૫૬ : શાંતિનગર
હરિજન આશ્રમથી નીકળી શાંતિનગર આવ્યા. આશ્રવાસીઓની વિદાય લઈ અમે વાડજ સ્ટેન્ડે આવ્યા. અહીં અમદાવાદ શહેર જિલ્લા સમિતિ તરફથી મહારાજશ્રીનું જાહેર સ્વાગત થયું. પ્રથમ પ્રમુખ ત્રિકમભાઈએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું. લાઉડસ્પીકરની ગોઠવણ હતી. ત્યાંથી સૌ લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવીને બંગલે આવ્યા. ઘણા ભાઈબહેનો આવ્યાં હતાં. પ્રાસંગિક કહ્યું. સાધુતાની પગદંડી
૧૫૩