________________
બપોરના મહારાજશ્રી ભિક્ષા લેવા જવાની તૈયારીમાં હતા. ત્યાં હરિજનો આવ્યા. કહે “બાપજી ! અમને ભજનમાં બેસવા દેતા નથી. રાત્રે તો જાહેર ભજનનું નક્કી થયું છે અને સાદ પણ તેવો પડ્યો છે.”
મહારાજશ્રી વિચારમાં પડ્યા. શું કરવું ? તેમણે ભિક્ષા લેવા જવાનું બંધ રાખ્યું. ગામનો પ્રેમ તો અપાર હતો જ. મહારાજશ્રી આ કારણે ભોજન લેવા ન જાય તો ગામનું ખોટું દેખાય. આખા ગામમાં સન્નાટો વ્યાપી ગયો. ચર્ચાઓ થવા લાગી. કેટલાક ખેડૂતો અને ગરાસદાર આગેવાનો મહારાજશ્રી પાસે આવ્યા. તેમણે નમ્રતાપૂર્વક કહ્યું કે, “આપ ભોજન ન લો તો અમે કેવી રીતે લઈએ ?' મહારાજશ્રીએ તેમને સમજાવ્યા અને કહ્યું કે જાહેર પ્રાર્થના રાખી અને તેમાં વળી પ્રભુભજન જેવા પવિત્ર કાર્યમાં કોઈપણ વ્યક્તિ ભજનકીર્તન માટે આવે તેને ના પાડવી તે કેટલું બધું અઘટિત છે ! તમારી ભૂમિકા હું સમજું છું. વરસોથી આવું ચાલે છે પણ મારી દૃષ્ટિએ સવર્ણ-અવર્ણમાં કોઈ ભેદ નથી. એક ઈશ્વરના સૌ સંતાન છીએ. કોઈની સાથે ખાવુંપીવું એ પોતપોતાની ઇચ્છાની વાત છે. પણ સાથે બેસવું એમાં ક્યાં અધર્મ થઈ જાય છે ? તેમાં વળી વરસાદનું સંકટ સૌને માથે આવ્યું છે. તેના નિવારણ માટે પ્રભુભજન કરવાનો ભવ્ય પ્રસંગ છે.
ભગવાનનાં સૌ છોરું સરખાં છે. એની પ્રતીતિ માટે બધાંને સામે ચાલીને આમંત્રવાં જોઈએ. તમે સ્થળ એવું રાખો કે જ્યાં બધી જ કોમનાં માણસો આવી શકે ? હું તો તમારા હૃદય ઉપર અપીલ કરવા માગું છું.'
ભજન મંડળીના આગેવાન ભગત મહારાજશ્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા : “બાપજી ! અમારી ભૂલ થઈ છે. હરિજનોને અમો પ્રેમથી આમંત્રણ આપીએ છીએ. એટલું જ નહિ હરિજનો ઇચ્છશે તો અમે તેમને ઘેર ભજન કરવા જઈશું. પણ આપ પહેલાં ભિક્ષા લઈ લો.” મહારાજશ્રીનો હઠાગ્રહ તો હતો જ નહિ, ભિક્ષા લીધી, આગેવાનો પણ જમ્યા અને સાંજના હરિજન વાસમાં સભા રાખવાનું ઠરાવ્યું.હરિજનોએ સુંદર મંડપ બાંધ્યો. મહારાજશ્રી, ભજનમંડળ અને ગામનાં આગેવાનો સો ત્યાં ગયાં. હરિજનોના આનંદનો પાર ન રહ્યો. પછી તો રાત્રે ગામની મંડળીમાં હરિજનો પ્રેમથી આવ્યા અને સૌએ સાથે મળી ભક્તવત્સલ ભગવાનને યાદ કર્યા.
સાધુતાની પગદંડી
૧૨૫