________________
શિક્ષક એ નોકર નથી. પણ ગુરુ છે. રાજયને દોરવણી આપી શકે તેવી ભૂમિકા આપણે ઊભી કરવી જોઇએ. હમણાં જેતલવાસણામાં એક શિક્ષકે પારણું કર્યું. મારું દુઃખ એ છે કે, શિક્ષકે સમાજ ઉપર અસર પાડવી જોઈએ. એને બદલે સમાજની અસર શિક્ષક ઉપર પડે છે.
આજના યુગ પ્રમાણે તમારી ૫ એકરની માંગણી ખોટી નહિ કહેવાય. જો બીજા માગતાં હોય તો શિક્ષક પવિત્ર ધંધાવાળો છે. તેનો અધિકાર હોવો જોઈએ. પણ હું જે વાત મૂકું છું. તે તદ્દન પાયાની વાત કરું છું. અને તમારી પાસે આશા રાખું છું. હું ગણોતધારાને જુદી રીતે જોવું છું. એ તમે જાણો છો.
આજે વેતનદર મોટો, તેની પ્રતિષ્ઠા વધારે. ખરી રીતે ઓછા વેતનદારની પ્રતિષ્ઠા થવી જોઈએ. પણ આજે મૂડીવાદી સમાજ રચના છે. નાના નોકરો ઉપર કાપ મુકાય છે. કદાચ મોટાને પ્રમોશન અપાય છે. હું તો કહ્યું કે, ભંગીનું કામ કરનારને શિક્ષક જેટલું વેતન મળવું જોઈએ. પણ મારી વાત કોઈને ગળે ન ઊતરે. શિક્ષક એ પાયાનો કાર્યકર છે. એની પ્રતિષ્ઠા હોવી જોઈએ.
ચા અને બીડી ઉપર મારો મોટામાં મોટો કટાક્ષ હોય છે. તમે છોડશો તો જ બાળકો ઉપર અસર પડશે. કેટલાક નિશાળમાં મંગાવીને પીવે છે. કરોડો રૂપિયા એની પાછળ ખર્ચાય છે. શ્રમજીવી શ્રમજીવી રહેતો નથી. નવા મૂલ્યો સ્થાપવા માટે બાપુએ કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રાપ્ત કરી છે. પણ તેમાં ઝડપભેર અશુદ્ધિઓ પેસતી જાય છે. એને દૂર કરવા માટે સ્ત્રીઓ અને શિક્ષકો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. કાલે એક શિક્ષકે કહ્યું પાટીદારો નાની નાની બાળાઓને પરણાવી દે છે. એ બાઈ દશ, બાર વરસે વિધવા થાય છે, ત્યારે આખી જિંદગી દુઃખી થાય છે. કાયદો તો છે, ૧૪ વરસની નીચેની ના પરણાવી શકાય. પણ કાયદો કાયદાનું કામ કરે છે. એ તો જડ છે. શિક્ષકો શુદ્ધિ પ્રયોગ કરીને એ અટકાવી શકે. તા. ૨૬-૧૨-૧૯૫૫ : બાસણા
પીલુદ્રાથી નીકળી બાસણા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો શિવમંદિરમાં રાખ્યો હતો. મંદિરમાં સર્વ કોમને આવવાનો અધિકાર છે. તેના એક ભાગમાં નિશાળ બેસે છે. ગામે જાત મજૂરી અને રોકડ રકમ
૧૩૪
સાધુતાની પગદંડી