________________
પાયાથી ફેરફાર કરવો જોઈએ. શ્રમને વધારે સન્માન આપવું જોઈએ. બુદ્ધિ અને કર્મના ભાગલા પાડવા જોઈએ નહિ. બુદ્ધિ કર્મને અનુસરીને ચાલે. જો ધનને અને સત્તાને અનુસરીને ચાલે તો એ વ્યભિચારીણિ કહેવાય.
સરકાર આટલા બધા શિક્ષણને પહોંચી વળવાની નથી. એટલે શિક્ષણ અને આરોગ્યનું કામ ત્યાગી પુરુષોએ પોતાના હાથમાં લેવું જોઈએ. તો જ શિક્ષણમાં પ્રાણ આવશે. જ્યાં સુધી ગામડું સ્વાવલંબી નહિ બને ત્યાં સુધી શોષણ અટકશે નહિ.
પછી આવી શિક્ષણની વાત, થોડું ભણેલો માણસ પણ બીજાને ભણાવી શકે.. બીજી ચોપડી ભણેલો નીચેનાને ભણાવી શકે. ખેતી માટે શાળાઓની જરૂર નથી પડતી.પિતા શીખવાડે છે. છોકરીને માતા પાકશાસ્ત્ર શીખવાડી દે છે. તેમ અરસપરસ શિક્ષણનું કામ ચાલે તો આટલો બધો ગંજાવર ખર્ચ અટકી જાય. થોડાં માણસને ઊંચું શિક્ષણ આપવા માટે સંસ્થામાં અને બહાર મોકલવા પડે, તો મોકલીએ. આજે તો શિક્ષિત બેકારોની ફોજ વધતી જાય છે. ધંધો મળતો નથી. એટલે અનેક પ્રકારના અનર્થો ઊભા કરે છે, ઝઘડો વધારે છે. શબ્દરચના હરીફાઈ જેવું ચલાવે છે. પોકારો પાડેથી આ બધું અટકવાનું નથી. એને માટે વ્યવસ્થિત રચના ઊભી કરવી પડશે. ગામડાંમાં દરેક વર્ગને અનુલક્ષીને પાયાનું કામ શરૂ કરવું પડશે. બચત દ્વારા સહકારી મંડળીઓ સ્થાપવી પડશે. પંચાયતમાં સત્તા માટે નહિ પણ સેવા માટે સભ્યો જાય. ઝઘડો પંચ દ્વારા પતાવે. કોર્ટમાં જાય નહિ. જો આવું નહિ કરીએ તો કેંદ્રિય સત્તા કદી ઓછી થવાની નથી. ગુલામી જવાની નથી. સત્તાને સ્થાને સેવા અને ધનની સામે સાદાઈ મૂકો. આમ ગામડાંને શુદ્ધ કરો તો સુખી થવાનાં છીએ. સત્તા ભલે રહે, પણ સેવિકા થઈને રહે. ધન ભલે રહે પણ એ ધન શ્રમજીવીઓના ઉપયોગમાં આવે. તા. ૨, ૩-૧-૧૯૫૬ : ઝુલાસણ
ડાંગરવાથી નીકળી ઝુલાસણ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો હતો. ગામ લોકોને અમે મોડા આવવાની ખબર હતી. એટલે સ્વાગતની તૈયારી કરતા હતા. એવામાં અમે આવી ગયા. આવીને વિદ્યાર્થીઓને ઉદેશીને શિક્ષણ વિશે અને વ્યસન ત્યાગ અંગે કહ્યું. રાત્રે જાહેરસભા થઈ.
સાધુતાની પગદંડી
૧૩૯