________________
તા. ૯-૫-૧૯૫૫ : પલાંસવા
ભીમાસરથી નીકળી પલાંસવા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગમે તે કારણે અહીં કંઈક ગેરસમજ થઈ હતી. એટલે ગામલોકો સ્વાગતમાં કોઈ આવ્યા નહોતા. બીજી તૈયારીઓ પણ કરી નહોતી. શાળાના શિક્ષકે બધી વ્યવસ્થા કરી હતી.
હરિજનોને ખબર પડી. એટલે ધામધૂમથી દર્શન કરવા આવવાના હતા. પણ ગામનો થોડો ડર હશે. એટલે શ્રીફળ અને સાકર થાળીમાં લઈને દર્શને આવ્યા. તેમની સાથે કેટલીક વાતો કરી. સાંજના તેમના વાસમાં જઈ આવ્યા. તા. ૧૦-૫-૧૯૫૫ : માખેલ
પલાંસવાથી નીકળી માખેલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો શિવલાલ ઠક્કરની ડહેલીએ રાખ્યો હતો. અહીંના શિક્ષક ઠીક ઉત્સાહી લાગ્યા. આ ગામમાં રાજગોરની વસ્તી મુખ્ય છે. બધા ગિરાસદારો છે. પણ કુસંપ હોવાને કારણે કોઈ સાર્વજનિક કામ થતું નથી.
અહીં સવારમાં પ્રવાસે નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં ભવાનજી અર્જન ખીમજી અને લવજીભાઈ ઠક્કર વહેલી સવારના ભૂજથી નીકળી મહારાજશ્રીને મળવા જીપમાં આવી પહોંચ્યા. રસ્તે ચાલતાં ચાલતાં રાપર તાલુકાનો છઆની મહેસૂલી રાહતઅંગેના પ્રયતોની વાતો કરી. આખો પ્રશ્ન ઢેબરભાઈએ હાથમાં લીધો છે. મણિબહેનને (સરદારનાં દીકરી) કાનજીભાઈની પણ મદદ છે. ઢેબરભાઈએ વિશ્વનાથનને વિશ્વાસમાં લીધાં છે. હજી પંતજીને મળવાનું છે. પ્રયત પુષ્કળ ચાલે છે. પરંતુ મહારાજશ્રીને લાગે છે કે, કચ્છ છૂટી ગયા પછી ઓટ આવશે. એટલે પૂરો પ્રયત્ન કર્યા પછી આ સંજોગોમાં પ્રજા અને સેવકોને ઘડવા માટે પોતાની જાત ઉપર પ્રાયશ્ચિત લઈને થોડાં આંચકા આપવા વિચારે છે. આ અંગે તા. ૧૩મી એ ફરીથી પ્રેમજીભાઈ અને ભવાનજીભાઈ આવશે. ત્યારે વિચારાશે. તા. ૧૧-૫-૧૫૫ : આડેસર
માખેલથી નીકળી આડેસર આવ્યાં. અંતર ૪ માઈલ ઉતારો દરબારી ઉતારે રાખ્યો હતો. અહીં વિઘોટીના પ્રશ્ન અંગે વિચારણા કરવા પ્રેમજીભાઈ, ૧૨૬
સાધુતાની પગદંડી