________________
પૈસા મેળવવા માટે, કેટલાક અન્ન માટે બીજાને જીવાડવા માટે જે કંઈ ઉત્પન્ન કરવું તે સમાજ માટે છે. હું જીવું અને બીજાને જિવાડું.
જગતમાં પરસ્પર વિરુદ્ધ દૃષ્ટિ છે. તેમાંથી સાચી દષ્ટિ મેળવી જીવવામાં સૌનું કલ્યાણ છે. જડવાદ કરતાં ચેતનનાં મૂલ્યો સ્થાપવાં જોઈશે. ટૂંકમાં પશ્ચિમનું શાસન જવા છતાં લોકો તેની ઉપરની મમતા છોડશે નહિ તો તે દુઃખી થશે. ભોગવાદમાં કોઈ દિવસ તૃપ્તિ નથી. સંયમ કે ત્યાગમાં જ તૃપ્તિ છે. એ લોકો શિકાર કરતા હશે, તોપણ પ્રાણી સાથે ગેલ કરતા જ હશે. તેનો પ્રાણ જાય છે તે નહિ જુએ. મન જડ થઈ ગયું હોય છે. આપણે એટલા જડ નથી બની ગયા પણ થોડી ધૂળ ઉપર ફરી વળી છે તેને ખંખેરવાનો પુરુષાર્થ કરવાનો છે. તા. ૫-૮-૧૯૫૪
આજથી મહારાજશ્રીએ પાંચ દિવસના ઉપવાસ શરૂ કર્યા. ત્રણ ઉપવાસ ભાવનગર હોસ્પિટલમાં રહેવું પડ્યું. તેના પ્રાયશ્ચિતરૂપે, બાકી હતા. પણ ડો. રસિકભાઈ વૈદ્ય આવેલા તેમણે લંઘનનું મહત્ત્વ સમજાવ્યું. મહારાજશ્રીને ઉધરસ ઘણા સમયથી છે. ઊંટટિયા જેવી છે. પણ મટતી નથી, કફની ઉધરસ છે. એમ વૈદે કહ્યું એટલે ઉપવાસ કરવાનું વિચાર્યું. ત્રણની સાથે બીજા બે વધારી પાંચ ઉપવાસનું વિચાર્યું. ઉપવાસ પછી પારણા વખતે બે તોલા મગનું પાણી લેવાનું છે. પછી દરરોજ બબ્બે તોલા મગનું પાણી વધારતા જવું. એમ બીજા પાંચ દિવસ કરવું. પછી થોડો ભાત અને એમ કરતાં સામાન્ય લેવલ ઉપર આવી જવાનું કહ્યું. પારણાં પછી વધારે ખોરાક નહિ લેવાનું કારણ એ છે કે, દરરોજ જે બે તોલા મગનું પાણી લેવાય તે બીજા બે તોલા પચાવવાની ગરમી ઉત્પન્ન કરે છે. કેટલાક લોકો વધારે ખોરાક લઈ લે છે. એથી ઉપવાસનો ફાયદો થતો નથી.
સાંજના ૬ વાગ્યે આત્મારામ ભટ્ટ અને શંભુશંકર ત્રિવેદીનાં પત્ની સરલાબહેન આવ્યાં હતાં. ગારિયાધારમાંથી એક ભાઈએ સરલાબહેન અને એમના કુટુંબના બધા સભ્યો, પતિપત્ની, દીકરો, દીકરાની વહુ અને દીકરીનાં નામ આપીને એ બધાના ચારિત્ર્ય વિશે આક્ષેપ કરતી જાહેરપત્રિકા બહાર પાડી હતી. છાપનાર પ્રેસનું નામ ન હતું. જે માણસની સહી છે તે એક નાનો વેપારી છે અને કોંગ્રેસ કાર્યકર કહેવડાવે છે.
સાધુતાની પગદંડી