________________
ટી.બી.ની બીક ન રાખશો. ફક્ત ઉપવાસ અને ઘી, દૂધ છોડવાનું આવે તેવા પ્રયોગ ના કરવાની વિનંતી કરી. તા. ૨૩-૯-૧૯૫૪ :
આજે ડૉ. રસિકભાઈ વૈદ અમદાવાદથી આવ્યા. તેમણે મહારાજશ્રીનું શરીર તપાસ્યું. કફ ઓછો થયો છે. એમ જણાવ્યું. તેમણે ચરકના સિદ્ધાંતો વિશે સુંદર વાતો કરી. તેઓ ડૉક્ટરો જેને ક્ષય કહે છે તેને તેઓ માનતા નથી. ક્ષય થયેલો કોઈપણ માણસ જીવતો જ નથી. ગળફામાં લોહી આવે છે તે સાચું લોહી નથી હોતું. પણ પિત્તનો પ્રકાર હોય છે. ફોટામાં જે ડાઘ દેખાય છે તે કફનો ડાઘ હોય છે. ક્ષયની નિશાનીમાં બધાં જ અંગોનો ઘસારો શરૂ થાય છે. વિકાસ અટકી જાય છે. તા. ૨૭-૯-૧૯૫૪ :
આજે અને આવતીકાલે બે દિવસ માટે લાઠી અને અમરેલી વિભાગના ખેડૂત આગેવાનોનું સંમેલન રાખ્યું હતું. જમવાની વ્યવસ્થા ગામના ખેડૂતોએ ઉપાડી લીધી હતી. લગભગ ૪૬ ગામના આગેવાનોએ હાજરી આપી હતી. તેમાં પ્રથમ માટલિયાએ ભાલનળકાંઠાના ખેડૂત મંડળની દૃષ્ટિ સમજાવી હતી. ત્યારબાદ મહારાજશ્રીએ પ્રથમ ભૂદાનનું મહત્ત્વ અને પછી કોંગ્રેસ અને ખેડૂત મંડળના સંબંધો કયાં તેનો સમન્વય અને કયાં સ્વતંત્રતા વગેરે સમજાવ્યું હતું. ગામનિયોજનના સાત અંગો ફરજિયાત બચત, લવાદી અને ગ્રામ ઉદ્યોગને ટેકો આ બધું સમજાવ્યું હતું. પછી જે ઠરાવો ઘડાયા હતા તે વાંચી સંભળાવ્યા. અને સર્વાનુમતેથી પસાર થયા હતા. ઢસાવાળા વાઘજીભાઈને પ્રમુખસ્થાને ચૂંટી કાઢ્યા હતા. તળિયાના ભાવ સંબંધી સારી ચર્ચા ચાલી હતી. આનાવારી પ્રથા સામે પણ ફેરફાર કરવાની ચર્ચા થઈ હતી. તા. ૨૯-૯-૧૯૫૪ :
ખેડૂત સંમેલનને ફૂલજીભાઈએ પોતાની દષ્ટિ અને ખેડૂતોને ખેતીનો પોતાનો અનુભવ કહી સંભળાવ્યો હતો. ખેડૂતોને એમની વાતોમાં ખૂબ રસ આવ્યો હતો. ફૂલજીભાઈના ભાપણ પછી કુંડલાનું જે બંધારણ હતું તે અહીં પણ લાગુ પાડવાનું હતું. તેને એક પછી એક ઠરાવ મૂકીને તેની ઉપર ચર્ચા કરી પસાર કરવામાં આવ્યું.
સાધુતાની પગદંડી