________________
છે. માટે સમય ફાજલ રાખવા કહ્યું. પરંતુ કારણવશાત એ નહિ આવે એવો તાર આવી ગયો.
લોકભારતીના બે કાર્યકરો આવ્યા. એમણે રાત્રે કેટલીક વાતો કરી. એક લુચ્ચા માણસને પકડવા માટે પોતાને કોર્ટમાં જૂઠું બોલવું પડ્યું તે માટે તેમણે અશાંતિ રહે છે એ અંગે માર્ગદર્શન માગ્યું. મહારાજશ્રીએ જણાવ્યું કે, તમને જૂઠનો ડંખ રહે છે તે જ સારી વાત છે. હવે જીવનમાં આવો પ્રસંગ આવે ત્યારે આ પ્રસંગ દીવાનું કામ આપશે. તમે શાંતિ માટે ઉપવાસ કર્યો, તે સારું છે. ભવિષ્ય જે ભાઈને સજા થઈ છે તેમને આર્થિક રીતે મદદગાર થવું.
બીજો પ્રશ્ન લગ્નસંબંધી હતો. કાકાને મામા જુદે જુદે ઠેકાણે લગ્ન કરવાનો આગ્રહ રાખે છે. તો શું કરવું ? મહારાજે કહ્યું કે તમારી ઇચ્છા જ લગ્નની હોય તો પાત્ર જોઈને બંનેને સંમત કરી પછી લગ્ન કરવાં. રૂઢિને તાબે ન થવું. તા. ૨૦-૯-૧૯૫૪ :
આજે ભાલમાંથી ખસ્તાના કેશુભાઈ, ધોળીથી કેશુભાઈ કાળુભાઈ અને અડવાળથી રાવજીભાઈ પટેલ, હમીર પગી અને બીજા એક પગી સાથે મહારાજશ્રીને મળવા આવ્યા. ધોળીમાં જે કુસંપ હતો તે વાસણાના મહારાજે દૂર કરાવ્યો છે. ધંધૂકા જિન અને પ્રેસ અંગે લોકોને અસંતોષ બાબત વાતચીત થઈ. જિનની કારોબારી અહીં બોલાવવા વિચાર્યું. એ અંગે હરિભાઈ ઉપરનો પત્ર લખી આપ્યો. તા. ૨૧-૯-૧૯૫૪ :
આજે નવલભાઈ શાહ અને સુરાભાઈ ભરવાડ મળવા આવ્યા. તેમણે બેંક અંગે, સઘન યોજના અંગે અને જિન અંગે તથા સુરાભાઈના પ્રશ્ન અંગે વાત કરી. તા. ૨૨-૯-૧૯૫૪ :
ઢેબરભાઈ અને દયાશંકરભાઈની સૂચનાથી ભાવનગરથી ડૉ. દસ્તુર મહારાજશ્રીને તપાસવા આવ્યા. શરીર તપાસું સ્ક્રીનિંગ કર્યું અને ફોટો પણ લીધો, બધું તપાસીને તેમણે કહ્યું કે કોઈ ચિંતા કરવા જેવું દર્દ નથી. સાધુતાની પગદંડી