________________
રોટલાં ભાંગું ! આમાંથી આપણે બચવાનું છે. હું ઉપદેશ નથી આપતો પણ અનુભવની વાત કરું છું. અમદાવાદના હુલ્લડમાં હું નીકળતો. અનુભવ જો કે નિર્ભયતા આવે છે ત્યારે સામા માણસનું દિલ પણ હલી જાય છે. પ્રથમ કદાચ જાન પણ આપવો પડે. પણ પછી તો સૌના અંતરમાં બેઠેલો ભગવાન જાગે જ છે. હું તમને જીવનનો ભોગ આપવાનું નથી કહેતો, પણ જમીન, નાણાં અને મનનો ભોગ માગું છું.
કાર્યકર્તા સંમેલન બપોરના ત્રણ વાગ્યે પાલીતાણા અને ગારિયાધાર તાલુકાના કાર્યકરોની મિટિંગ મળી હતી. લગભગ ૩૦ ભાઈઓ આવ્યા હતા. પ્રથમ ઓળખવિધિ થયા પછી મહારાજશ્રીએ પૂછ્યું, આજે કાર્ય કરવામાં ઉત્સાહ ઓછો દેખાય છે તેનું કારણ શું ? સિદ્ધાંતનિષ્ઠ હશે તો કામમાં મજા આવશે. એ નિષ્ઠા નબળી પડી લાગે છે. થોડી ઇર્ષાવૃત્તિ, લોભવૃત્તિ પણ કામ કરતી હશે.
જવાબમાં કાર્યકરોએ પોતપોતાની મુશ્કેલીઓ જણાવી હતી. અમલદારો દિલ દઈને કામ કરતા નથી. નાના કાર્યકરોને તેના પ્રશ્નોમાં મોટા કાર્યકરો જોઈએ તેટલો રસ લેતા નથી. કેટલાક મોટા કાર્યકરો કોંગ્રેસ વિરોધીઓનો સાથ વધારે લે છે. ખોટા પ્રચારને કારણે ભૂમિદાનોમાં મુશ્કેલી પડે છે. વગેરે મૂંઝવણો જણાવી.
મહારાજશ્રીએ જણાવ્યું કે મુખ્ય કાર્યકરે નાના કાર્યકરોને કાર્યોથી પરિચિત રાખવા. એમને કેટલીક જવાબદારી સોંપવી. ભૂમિદાનનું કાર્ય માત્ર કોંગ્રેસનું છે એમ નથી. અને એમ છે પણ જે માણસ ભૂદાનકાર્ય કરે તે કરી શકે છે. ડૉક્ટરોનું એક મંડળ છે. જયારે ઓપરેશન જેવું મોટું કામ આવે ત્યારે પોતાનું કામ પડતું મૂકીને પહોંચી જાય. એવું આપણે ગોઠવવું જોઈએ. બાપુ વખતે કાર્યકર્તાઓ ગોળી ખાવા પણ તૈયાર હતા એવું આજે નથી. ફક્ત ગામડાનો સંપર્ક રાખવો. અને તેમને દુઃખમાં માર્ગદર્શન આપવું. સરકાર કરતાં કોંગ્રેસ મોટી છે. આપણે સરકારને મોટી માની છે અને માત્ર રાહતના કામ કરીએ છીએ. હવેની સમિતિઓ નીચેથી ઉપર રચાવી જોઈએ. નીચેના પ્રશ્નો ઉપર જવા જોઈએ. આજે ઉપરથી નીચે આવે છે. ભૂમિદાનથી ક્રાંતિ થશે એ ક્રાંતિ કોંગ્રેસ અને સરકાર બંનેને મજબૂત કરશે. સાધુતાની પગદંડી